જૂનાગઢમાં અંતે રાજેશ ચુડાસમા ત્રીજી વખત રિપીટ
- પત્તું કપાવાની ચર્ચા વચ્ચે જાતિગત સમીકરણોમાં ફરી ચુડાસમા ફિટ
જુનાગઢ બેઠક પરથી ભાજપે ત્રીજીવાર રાજેશ ચુડાસમાને રિપીટ કર્યા છે. જુનાગઢ બેઠક પર કેટલાય નામ ચર્ચામાં હતા. ત્યારે આખરે રાજેશ ચુડાસમાના નામ પર જ મહોર લાગી છે. જૂનાગઢ લોકસભા બેઠકમાં જુનાગઢ અને ગીર સોમનાથ જીલ્લાનો સમાવેશ થાય છે. તેઓ બે ટર્મથી સાંસદ છે, ત્યારે પાર્ટીએ ફરી એકવાર રાજેશ ચુડાસમા પર વિશ્વાસ મુક્યો છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર હજુ જાહેર થવાના બાકી છે પરંતુ કોંગ્રેસ પણ આહિર અથવા કોળી જ્ઞાતિમાંથી ઉમેદવાર પસંદ કરે તેવી શક્યતા છે.
રાજેશ નારણભાઈ ચુડાસમા ગુજરાતની કોળી જ્ઞાતિમાંથી આવે છે. તેમનો જન્મ 10 એપ્રિલ 1982ના રોજ ચોરવાડમાં થયો હતો. હાલ તેઓ જૂનાગઢ-ગીર સોમનાથથી સંસદસભ્ય છે. તેઓ અગાઉ ગુજરાત વિધાનસભાના સભ્ય પણ હતા. તેઓ 2012માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જૂનાગઢ જિલ્લાના માંગરોળમાંથી ચૂંટાયા હતા. તેઓ જૂનાગઢ લોકસભા મતવિસ્તારમાંથી 2014ની લોકસભાની ચૂંટણી જીત્યા હતા.
રાજેશ ચુડાસમા વર્ષ 2014માં સૌથી નાની વયના સાંસદ તરીકે ચૂંટાયા હતા. તો વર્ષ 2019માં દોઢ લાખની લીડથી રાજેશ ચુડાસમા વિજેતા થયા હતા.ચુડાસમા 1 સપ્ટેમ્બર 2014 થી 25 મે 2019 દરમિયાન પરિવહન, પર્યટન અને સંસ્કૃતિ પરની સ્થાયી સમિતિના સભ્ય તેમજ કૃષિ મંત્રાલયમાં સલાહકાર સમિતિના સભ્ય હતા. આ ઉપરાંત 13 સપ્ટેમ્બર 2019થી રસાયણ અને ખાતર અંગેની સ્થાયી સમિતિના સભ્ય સલાહકાર સમિતિના સભ્ય છે.
જૂનાગઢ લોકસભા મતવિસ્તારમાં જાતિગત સમીકરણ પર નજર કરીએ તો, કોળી જ્ઞાતિના મતદારો સૌથી વધારે છે. આ સાથે લઘુમતી, દલિત, આહીર, પાટીદાર અને બક્ષીપંચમાંથી કોળી જ્ઞાતિ સિવાયની અન્ય બક્ષીપંચ જ્ઞાતિઓના મતદારો પણ ખૂબ મોટી સંખ્યામાં છે.
પાછલી બે ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા કોળી સમાજના ઉમેદવારોને મેદાને ઉતારીને લોકસભા બેઠક કબજે કરવા માટે રણનીતિ બનાવી હતી.જેમાં ભાજપ સફળ રહ્યું હતું અને પાછલા બે ચૂંટણીમાં ભાજપના કોળી ઉમેદવાર ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. ત્યારે ભાજપે ફરી એકવાર રાજેશ ચુડાસમાને રિપીટ કરીને જાતિગત સમીકરણના આધારે આ બેઠક કબજે કરવા ભાજપે રણનીતિ તૈયાર કરી છે.