ઢોલ-શરણાઇના સૂર અને લોકનૃત્ય સાથે જોરાવરસિંહ જાદવને અંતિમ વિદાય
કલાપારખુ જોરાવરસિંહનો ગ્રામિણ સંસ્કૃતિને જીવંત રાખવામાં સિંહફાળો
ગુજરાતનાં ગામડાંઓમાંથી કલાકારોને શોધી-શોધીને તેમને મંચ પૂરો પાડનાર લોકસાહિત્યકાર પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું ગઈ કાલે 85 વર્ષની વયે અમદાવાદમાં અવસાન થયું હતું. ઢોલ-શરણાઈના સૂરતાલ અને લોકનૃત્ય સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી. તેમને થાઇરોઇડની બીમારી હતી. તેમને ગઈ કાલે સારવાર માટે હોસ્પિટલમાં ઍડ્મિટ કરવાના હતા, પણ એ પહેલાં જ સવારે તેમણે તેમના નિવાસ્થાને અંતિમ શ્વાસ લીધો હતો.
ગ્રામીણ સંસ્કૃતિને જીવંત રાખતા કલાકારોને ગામેગામથી શોધીને તેમને સ્ટેજ સુધી લઈ આવવાનું ભગીરથ કામ કલાપારખુ જોરાવરસિંહ જાદવ છેલ્લાં ઘણાં વર્ષોથી કરી રહ્યા હતા. દેવતીના ઢોલીઓ, શરણાઈવાદકો, આદિવાસી નૃત્યકારો, પપેટ બનાવતા કલાકારો, લોકવાર્તાકારોને ગામમાં કે સીમાડામાં જઈને શોધતા અને દર વર્ષે અમદાવાદમાં કાર્યક્રમ કરતા હતા. શહેરીજનો પણ ગ્રામીણ કલાકારોની કલા જોઈને દંગ રહી જતા હતા. કલાકારો માટે તેમણે ગુજરાત લોકકલા ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. આ ઉપરાંત તેમણે ઘણાં પુસ્તકો પણ લખ્યાં હતાં.
