ચેક રિટર્નના કેસમાં ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીને હાઇકોર્ટમાંથી વચગાળાના જામીન
બોલિવૂડના જાણિતા ફિલ્મ ડિરેક્ટર રાજકુમાર સંતોષીને હાઇકોર્ટે ચેક રિટર્નના એક કેસમાં વચગાળાના જામીન આપ્યા છે. રાજકોટની ટ્રાયલ કોર્ટે એક જ ફરિયાદના ચેક રિટર્નના બે કેસમાં તેમને દોષી ઠેરવ્યા બાદ બંને કેસમાં 1-1 વર્ષની સજા ફટકારી હતી. તેમજ ફરિયાદીને કુલ 22.5 લાખ રૂૂપિયા ચૂકવવા હુકમ કર્યો હતો. અરજદાર તરફથી એડવોકેટ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, કુલ 22.5 લાખ રૂૂપિયાની રકમ જે કથિત રીતે બાકી છે. તેમાંથી ફિલ્મ નિર્માતાએ સજા સામે અપીલ દાખલ કરતી વખતે સેશન્સ કોર્ટમાં 6 લાખ રૂૂપિયા જમા કરાવ્યા છે. સાથે જ તેઓ બાકીની 16.5 લાખની રકમ કોર્ટની રજિસ્ટ્રીમાં ચૂકવવા તૈયાર છે. હાઇકોર્ટે આ કેસની વધુ સુનાવણીની તારીખ 13 ફેબ્રુઆરીએ રાખી છે.
વર્ષ 2022માં રાજકોટની સિવિલ કોર્ટે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળ રાજકુમાર સંતોષીને ચેક રિટર્નના કેસમાં દોષિત ઠેરવ્યા હતા અને તેમને બે કેસમાં 1-1 વર્ષની જેલ અને કુલ 22.50 લાખ રૂૂપિયા ફરિયાદીને ચૂકવવા હુકમ કર્યો હતો. સેશન્સ કોર્ટ સમક્ષ તેમણે કરેલી અપીલ પણ ફગાવી દેવામાં આવી હતી. તેથી તેમણે પોતાને દોષિત ઠરાવીને સજા કરતાં આદેશને પડકારતી અરજી હાઈકોર્ટમાં કરી હતી.
રાજકુમાર સંતોષીના એડવોકેટે હાઈકોર્ટ સમક્ષ એ મતલબના મુદ્દા ઉપસ્થિત કર્યા હતા કે પ્રારંભિક ફરિયાદ અને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ રાજકુમાર સંતોષીને આપવામાં આવેલી નોટિસ વચ્ચે વિરોધાભાસ છે. ટ્રાયલ દરમિયાન ફરિયાદીના નિવેદનોમાં પણ વિસંગતતાઓ હતી. ફરિયાદીએ શરૂૂઆતમાં એવો દાવો કર્યો હતો કે તેમણે ચોક્કસ વિગતો આપ્યા વિના રાજકુમાર સંતોષીને રકમ આપી હતી.