મુળીના રાયસંગપરમાં લગ્ન પ્રસંગમાં મારામારી: 15 ઘવાયા
મૂળી તાલુકામાં મારામારી અને ઝઘડાના બનાવો અવાર નવાર સામે આવતા હોય છે. ત્યારે મૂળીનાં રાયસંગપર ગામે રહેતા પરિવારના ત્યાં દીકરીનો લગ્ન પ્રસંગ તા. 27-3-2025ને શુક્રવારે હોવાથી દેવપરા પાસેથી જાન આવી હતી. જેમાં અન્ય જ્ઞાતિના યુવક સાથે માંડવા પક્ષના કેટલાક શખસોએ બોલાચાલી કરતા મામલો બિચકાયો હતો અને બન્ને પક્ષો સામ સામે કુહાડી,લાકડી, પાઇપ જેવા હથિયારો લઇ તૂટી પડ્યા હતા. જેમાં સામ સામે પક્ષના અંદાજે 10 જેટલા લોકોને માથામાં, અન્ય ભાગોમાં નાની મોટી ઇજાઓ પહોંચતા સરા, થાન 108ની મદદ દ્વારા પ્રથમ મૂળી સરકારી હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે લઇ જવામાં આવ્યા હતા.
આ અંગે મૂળી પોલીસ સ્ટેશને જાણ થતા પીએસઆઇ લક્ષમણભાઇ ગીલવા, રાજપાલસિંહ સહિતનાં ઘટના સ્થળે દોડી જઇ આગળની તપાસ આરંભી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે બન્ને પક્ષના હુમલાવરોએ ખૂબ જ નશો કરી ઝઘડો કર્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. હાલ પોલીસે બન્ને પક્ષની ફરિયાદ લેવા સાથે વધુ તપાસ આરંભી છે.
આ મારામારીમાં ઘવાયેલાઓમાં સોનાબેન વાઘેલા, બાબુભાઇ વાઘેલા, દિનેશભાઇ વાઘેલા, નટુભાઇ વાઘેલા, સુનિલભાઇ વાઘેલા, નિતેશભાઇ સુરેશભાઇ, શારદાબેન ધીરૂૂભાઇ, કંચનબેન જીલુભાઇ, જયાબેન જાલુભાઇ, સુરેશભાઇ ધીરૂૂભાઇ, ચંદુભાઇ જેલાભાઇ, પ્રેમજીભાઇ જેશાભાઇ, કરશનભાઇ શીવાભાઇ, મુકેશભાઇ જેશાભાઈ અને અર્જુનભાઇ જેસાભાઇનો સમાવેશ થાય છે.