પ્રેમીને પામવા પંદર વર્ષની પુત્રીએ માતા-પિતાના ભોજનમાં ઝેરી દવા ભેળવી દીધી!
ઝેરની ખાલી બોટલ રસોડામાં જ ભૂલી જતા ભાંડો ફૂટયો
અમદાવાદમા એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમા આવ્યો છે. સારા ઘરની એક 15 વર્ષની સગીરાએ પ્રેમીને પામવા માટે પોતાના માતા-પિતાને ભોજનમા ઝેર આપવા પ્રયાસ કર્યો હતો પરંતુ માતાની સમય સુચકતાનાં કારણે અઘટીત ઘટના બનતા અટકી ગઇ હતી.
અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં રહેતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી 15 વર્ષીય સગીરા સોશિયલ મીડિયા થકી એક 20 વર્ષીય યુવકના સંપર્કમાં આવી હતી અને તે ધીરેધીરે આ દોસ્તી પ્રેમસંબંધમાં પરિવર્તિત થઈ. આ પ્રેમપ્રકરણનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે પિતાએ અકસ્માતે સગીરાનો મોબાઈલ ચેક કર્યો અને પ્રેમી સાથેની ચેટ્સ વાંચી લીધી હતી.
આ પ્રેમસંબંધની જાણ થતાં માતા-પિતાએ પહેલા તો દીકરીને સમજાવીને આ રિલેશન તોડી નાખવા સમજાવી હતી, પરંતુ પ્રેમાંધ દીકરીના મનમાં કંઈક અલગ જ ચાલી રહ્યું હતું. પહેલા તો પ્રેમમાં અંધ બનેલી સગીરાએ માતા-પિતાના આ નિર્ણયનો સખત વિરોધ કર્યો. ઘરમાં મોટો ઝઘડો તથા મારઝૂડ શરૂૂ થઈ. માતા-પિતાએ પોતાની દીકરીને અપાવેલો ફોન પણ તેના હાથમાંથી લઈ લેતાં સગીરા વધુ ઉશ્કેરાઈ ગઈ હતી.
પ્રેમી સાથે લગ્ન કરવાની જીદમાં સગીરાએ પોતાના રસ્તામાં અડચણરૂૂપ બનતા માતા પિતાને માર્ગમાંથી કાઢી નાંખવાનો પ્લાન બનાવ્યો હતો. બે દિવસ પહેલા જ ઝેરની બોટલ ખરીદીને પોતાની પાસે રાખી હતી. માતા-પિતા પ્રેમલગ્ન માટે તૈયાર ન થતાં, તેમણે ભોજનમાં ઝેર નાખી દેવાનો ઘાતક પ્લાન બનાવ્યો હતો. બનાવના દિવસે માતા રસોઈ બનાવીને બાથરૂૂમમાં ગયા હતા. આ તકનો લાભ લઈને સગીરાએ પોતાની બેગમાં સંતાડેલી ઝેરની બોટલ કાઢી અને ઘરમાં તૈયાર કરેલા ભોજનમાં ઝેર ભેળવી દીધું. જોકે, સગીરા ઝેરની બોટલ રસોડામાં જ મૂકીને જતી રહી હતી, જેના કારણે માતાની નજર બોટલ પર પડતા ભાંડો ફૂટ્યો હતો.
ઝેરની બોટલ જોઈને માતાને શંકા ગઈ અને તેમણે દીકરીની પૂછપરછ કરી. ત્યારે સગીરાએ ચોંકાવનારી કબૂલાત કરી અને જણાવ્યું કે, તમે મને પ્રેમ લગ્ન નથી કરાવતા તેથી તમને ઝેર આપીને હું પ્રેમી સાથે લગ્ન કરી લઈશ. આટલું કહીને તેણે માતા-પિતા સાથે મારઝૂડ કરી અને ધમકીઓ આપવા લાગી હતી.
અભયમની ટીમે કાઉન્સેલિંગ કર્યુ
દીકરીના આ વર્તનથી કંટાળીને અને હતાશ થઈને માતા-પિતાએ આખરે 181 મહિલા અભયમ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો. અભયમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને સગીરાનું સઘન કાઉન્સેલિંગ કર્યું. કાઉન્સેલિંગ દરમિયાન સગીરાને પોતાની ભૂલ સમજાઈ. તેને પસ્તાવો થયો અને તેણે માતા-પિતાની માફી માગી લીધી. એટલું જ નહીં, તેણે પ્રેમી સાથેનો તમામ સંપર્ક તોડી નાખ્યો અને ફરીથી માતા-પિતા સાથેના સંબંધો સુધારી લેવાનો નિર્ણય લીધો.