સુરેન્દ્રનગરમાં સ્માર્ટ મીટર નાખવા જતા લોકોનો ઉગ્ર વિરોધ, તંગદિલી
સુરેન્દ્રનગરના મફતિયાપરા વિસ્તારમાં આજે સ્માર્ટ મીટર લગાવવાના મુદ્દે વિવાદ સર્જાયો હતો. PGVCL કર્મચારીઓ અને સ્થાનિક રહીશો વચ્ચે ઘર્ષણ થયું હતું.
પીજીવીસીએલના કર્મચારીઓએ પુરુષો ઘરે ન હોય ત્યારે મહિલાઓને સમજાવીને સ્માર્ટ મીટર લગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓએ બળજબરીથી મીટર લગાવવાનું ચાલુ રાખતા બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. પરિસ્થિતિ વણસતા ડેપ્યુટી એન્જિનિયરને બોલાવવામાં આવ્યા હતા. તેમની સાથે પણ લોકોએ વિરોધ કરતા આખી ટીમને પરત ફરવું પડ્યું હતું.
સ્થાનિક જાગૃત નાગરિક કમલેશ કોટેચાએ આરોપ મૂક્યો કે PGVCL માત્ર ગરીબ વિસ્તારોને ટાર્ગેટ કરી રહી છે. તેમણે માંગ કરી કે પહેલા ભાજપના નગરપાલિકાના સભ્યો અને સંગઠનના હોદ્દેદારોના ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવે. ત્યારબાદ જ ગરીબ અને સ્લમ વિસ્તારમાં મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવે.