For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિધાનસભામાં પ્રથમ દિવસે જ કોંગ્રેસનું ઉગ્ર પ્રદર્શન

03:57 PM Aug 21, 2024 IST | Bhumika
વિધાનસભામાં પ્રથમ દિવસે જ કોંગ્રેસનું ઉગ્ર પ્રદર્શન
Advertisement

રાજકોટનાં ગેમ ઝોન અગ્નિકાંડ સહિતની દુર્ઘટનાઓ, જમીન કૌભાંડો, દારૂ, ડ્રગ્સના ધંધા, નકલી કચેરીઓ, ભૂતિયા શિક્ષકોની ચર્ચા માટે વિધાનસભાનું સત્ર લંબાવવા માગણી

પ્રજાનો અવાજ દબાવવા સત્ર ટૂંકાવી દેવાયું, બહુમતીના જોરે કોંગ્રેસનાં પ્રશ્ર્નો પણ ઉડાવી દેવાયાનો અમિત ચાવડાનો આક્ષેપ

Advertisement

ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસનાં ટૂંકા ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થતાં પૂર્વે જ કોંગ્રેસે જાતિ આધારિત વસતી ગણતરી કરવાની માંગણી સાથે ગળામાં બેનરો લગાવી વિધાનસભાની લોબીમાં વિરોધ પ્રદર્શન કર્યુ હતું. કોંગ્રેસનાં ધારાસભ્યોએ લોબીમાં ફરીને લોકશાહીની હત્યા બંધ કરો’ના નારા લગાવી માત્ર ત્રણ જ દિવસનું સત્ર યોજવા સામે પણ વિરોધ નોંધાવ્યો હતો.

વિપક્ષી નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, પ્રજાના ટેકસના પૈસાનો ગુજરાતમાં બગાડ થઈ રહ્યો છે. ભ્રષ્ટાચાર જાણે સિસ્ટાચાર થઈ ગયો છે. ચારે તરફ અધિકારીઓનું રાજ ચાલે છે. રાજકોટનો ગેમઝોન, વડોદરાની હોડી દુર્ઘટના, મોરબીની બ્રીજ દુર્ઘટના કે બીજા બનાલો હોય, લોકો સરકારની બેદરકારીનો ભોગ બની રહી છે તેની વિધાનસભામાં ચર્ચા થવી જરૂરી છે.

ગુજરાતમાં ડ્રગ્સ-દારૂના ધંધા, નકલી કચેરીઓ, અધિકારીઓ કે ભુતિયા શિક્ષકો હોય કે, જમીન કૌબાંડો હોય તેની વિધાનસભામાં ચર્ચા થવી જોઈએ. કોંગ્રેસે ચર્ચા માટે વિધાનસભામાં નોટિસ આપવામાં આવી હતી. પરંતુ પ્રજાનો અવાજ દબાવવા પ્રશ્ર્નોતરી બહુમતીના જોરે ઉડાવી દેવામાં આવી છે. કોંગ્રેસનાં પ્રશ્ર્નોના જવાબ પણ આપવામાં આવ્યા નથી.

ગુજરાત વિધાનસભાના ત્રિ દિવસીય ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. આ સત્રનો પ્રારંભ વંદેમાતરમ ગાનથી કરવામાં આવ્યો હતો. લોકસભા ચૂંટણી અને વિધાનસભાની પેટાચૂંટણી બાદ પ્રથમ વખત સત્ર મળી રહ્યું છે. વિધાનસભા ગૃહમાં ગેરહાજર અને વિદેશમાં રહેતા શિક્ષકો અને ચાંદીપુરાનો મુદ્દો ગુંજ્યો હતો. તેમજ સત્ર શરૂૂ થયા પહેલા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પબંધ કરો ભાઈ બંધ કરો લોકશાહીની હત્યા બંધ કરોથના સૂત્રોચ્ચાર કર્યા હતા.

આ ઉપરાંત આજે ગૃહની કામગીરી શરૂૂ થતા જ પેટા ચૂંટણીમાં વિજેતા બનેલા ધારાસભ્યોની ગ્રાન્ડ એન્ટ્રી જોવા મળી હતી. વર્ષ 2024ની લોકસભા ચૂંટણી સમયે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં આવ્યા બાદ ચૂંટણી જીતીને વિજેતા બનેલા અર્જુન મોઢવાડીયા, સી.જે.ચાવડા, અરવિદ લાડાણી અને ચિરાગ પટેલને આજે અલગ મોભાનો અહેસાસ થયો હતો. આ ચારેય ધારાસભ્યો પૈકી ગૃહ ચાલુ થવાના સમય અગાઉ અર્જુન મોઢવાડિયા વિધાનસભા ગૃહમાં પોતાનું સ્થાન ગ્રહણ કરીને બેસી ગયા હતા. એટલે જગ્યા પર બેસી ગયેલા અર્જુન મોઢવાડિયાને ગૃહમાંથી બહાર નીકળી અને ફરીથી એન્ટ્રી લેવા માટે વિનંતી કરી હતી.

તો બીજી તરફ અન્ય ધારાસભ્યો એવા સી જે ચાવડા, ચિરાગ પટેલ અને અરવિંદ લાડાણી તો પહેલેથી બહાર જ હતા. બાદમાં આ ચારેય ધારાસભ્યોએ એક સાથે ગૃહમાં એન્ટ્રી લીધી હતી. આ એન્ટ્રી સમયે મૂળ ભાજપના સભ્યોએ મને-કમને પાટલી થપથપાવીને તમામનું સ્વાગત કર્યું હતું.શૈલેષ પરમારનો સવાલ-શાળામાં શિક્ષકો ગેરહાજર રહે છે અને એ બાબતે સરકારની કાર્યવાહી શું છે? કુલ 176 શિક્ષકો વિદેશ ચાલ્યા ગયા છે. ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષકો સૌથી વધારે ગેરહાજર છે. જેના જવાબમાં કુબેર ડિંડોરનો જવાબ-શાળામાં શિક્ષકોની ઘટની બાબત દર વખતે ભરતી કેમ્પમાં ધ્યાન પર આવતી હોય છે. કુલ 176 શિક્ષકો શાળામાં હાજર નથી. કુલ 134 શિક્ષકો ગેરહાજર છે અને એ તમામ 134 શિક્ષકો સામે કાર્યવાહી કરી છે. જે 176 શિક્ષકોની વાત કરે છે જ્યારે બાકીના સામે કાર્યવાહી ચાલુ છે. ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો ગેરહાજર નથી.

અમૃતજી ઠાકોરેે સવાલ પુછેલ કે બે શિક્ષકોને મારા મત વિસ્તારમાં કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. સચિવ કક્ષાએથી માહિતી માંગે તો સમયસર માહિતી મળે છે. બે શિક્ષકોને કારણદર્શક નોટિસ આપી છે, શિક્ષકોની ભરતી નથી થતી, શિક્ષકો હાજર રહેતા નથી.

જવાબમાં શિક્ષણમંત્રી ડિંડોરે જણાવેલ કે શાળાની વાત કરી છે અને એમાં બે શિક્ષકો ગેરહાજર છે એમાં કાર્યવાહી કરી છે. બીજા શિક્ષકો આવતા નથી એ માટે રિયલ ટાઈમ મોનિટરીંગ કરીએ છીએ. આટલા મહેકમમાં 1 કે 2 ટકા શિક્ષકો ખોટી પ્રવૃત્તિ કરે એમાં તમામ શિક્ષકો બદનામ થાય છે. જે ગેરહાજર છે એમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

વિધાનસભા ગૃહમાં સ્વ.કમલા બેનીવાલ અને સદ્ગત સભ્યોને અપાઇ શ્રદ્ધાંજલિ
ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 15મી વિધાનસભાના પાંચમાં સત્રના પ્રથમ દિવસે શોકદર્શક ઉલ્લેખો દ્વારા પૂર્વ રાજ્યપાલશ્રી સ્વ. ડો. કમલાજી બેનીવાલ અને પૂર્વ દિવંગત સભ્યઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ આપી હતી.સત્રના પ્રથમ દિવસે રજૂ થયેલા શોકદર્શક ઉલ્લેખોમાં ગૃહના નેતા તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના પૂર્વ રાજ્યપાલ સ્વ. ડો. કમલા બેનીવાલજી, પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી બિપીનભાઈ શાહ તેમજ પૂર્વ સભ્યો સ્વ.શિવભદ્રસિંહ ગોહિલ, સ્વ.રત્નાભાઈ ઠુંમર, સ્વ.રામસિંહજી સોલંકી, સ્વ.નંદકિશોર દવે, સ્વ. ખુરશીદહૈદર પીરઝાદા, સ્વ.સામતભાઈ રાઠોડ અને સ્વ.કરશનભાઈ ઓડેદરાને શ્રદ્ધાંજલિ આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ રાજ્યપાલ સ્વ. ડો. કમલા બેનીવાલે રાજ્યપાલ તરીકે રાજ્યના વિકાસમાં આપેલા યોગદાન અને માર્ગદર્શનની સરાહના કરી હતી. તેમણે સૌ દિવંગત પૂર્વ ધારાસભ્યઓની જાગતિક જન પ્રતિનિધિ તરીકેની સેવાઓને બિરદાવીને સૌ દિવંગત આત્માઓની પરમ શાંતિની પ્રભુ પ્રાર્થના કરી હતી. સભાગૃહે આ સૌ પૂર્વ સ્વર્ગસ્થ સભ્યશ્રીઓના અવસાન અંગે બે મિનીટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી.

મોઢવાડિયા જૂની જગ્યાએ પડેલી ગાદી લઈ નવી જગ્યાએ બેઠા
અગાઉ વિધાનસભા વિરોધ પક્ષના નેતા રહી ચુકેલા અર્જુન મોઢવાડિયાને અધ્યક્ષની પીઠ સામે પહેલી હરોળમાં સ્થાન મળ્યુ છે. તેઓ વિપક્ષના નેતા રહી ચૂક્યા હોવાથી આ સ્થાન ઉપલબ્ધ થયું છે. વિધાનસભામાં તેમની બેસવાની જગ્યા બદલાતા અર્જુન મોઢવાડિયા પોતાની જૂની જગ્યાએ પડેલી ગાદી લઇને નવી જગ્યાએ તેને મૂકીને ગૃહમા બેઠા હતા. અગાઉ વિપક્ષમા રહેતા ડો.સી.જે. ચાવડા હવે ભાજપના ધારાસભ્ય છે, ત્યારે હાલ વિધાનસભામાં જ્યાં પહેલાથી જ અડધો ડઝન પૂર્વ મંત્રીઓ બેસે છે ત્યાં જ સી.જે.ચાવડાને અધ્યક્ષની સામે પણ બીજી હરોળમા પૂર્વ રાજ્ય મંત્રી કેશોજી ચૌહાણની બાજુમાં સ્થાન આપવામાં આવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement