તાવનો ભરડો: વધુ એક અઢી વર્ષની બાળકીનું મોત, અઠવાડિયામાં બીજો ભોગ લીધો
રાજકોટ સહિત રાજ્યભરમાં તાવની બીમારીએ ભરડો લીધો હોય તેમ હજુ બે દિવસ પહેલા જ રાજકોટમાં રહેતા પરિવારના ચાર મહિનના બાળકનું તાવથી મોત નીપજ્યુ હતુુ. ત્યારે આજે ચોટીલાની અઢી વર્ષની બાળકીનું તાવની બીમારીએ ભોગ લેતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.
જાણવા મળતી વિગત મુજબ ચોટીલામાં શિવશકિત સોસાયટીમાં રહેતા ઉમેશભાઇ ગવાલાની અઢી વર્ષની પુત્રી નીહારી છેલ્લા ચાર દિવસથી તાવની બીમારીમાં સપડાતા પરિવારજનો દ્વારા તેની દવા લેવામાં આવી હતી. દરમિયાન આજે બેભાન થઇ જતા પરિવારજનો દ્વારા તેને રાજકોટ જનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે, સારવાર મળે તે પહેલા જ તેનુ મોત નીપજતા પરિવારજનોમાં ગમગીની છવાઇ જવા પામી હતી. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક નીહારી એક ભાઇ એક બહેનમાં મોટી અને તેના પિતા કંપનીમાં નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા પણ તાવથી શહેરમાં ચાડા ચાર મહિનના બાળકનું મોત નીપજ્યુ હતુ. જેમાં સંતકબીર રોડ પર શકિત સોસાયટીમાં રહેતા અશ્ર્વીનભાઇ ગોહેલના સાડા ચાર મહિનના પુત્ર જય તાવની બીમારીમાં સપડાયો હતો જેનું પણ બેભાન થઇ જતા મોત નીપજ્યુ હતુ આમ એક અઠવાડીયામાં જ તાવની બીમારીથી બે બાળકોના ભોગ લેવાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.