લાઠીના કરકોલિયા નજીક મહિલા પોસ્ટ કર્મચારીનો પીછો કરો છેડતી
લાઠીના ચાવંડથી નાના રાજકોટ વચ્ચે કરકોલીયા નજીક મહિલા પોસ્ટ કર્મચારીનો પીછો કરી એક અજાણ્યા શખ્સે છેડતી કરી હતી અને બાઈક આડુ નાખી છરી વડે હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાને પગલે લાઠી પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાતા ચકચાર મચી હતી.
આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર, લાઠી પોલીસ મથકમાં 27 વર્ષિય મહિલા પોસ્ટ કર્મચારીએ અજાણ્યા શખ્સ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ઢસા તેના ઘરેથી ચાવંડ ગામે સબ પોસ્ટ ઓફિસે જતા હતા. તે દરમિયાન જાનબાઈની દેરડી ગામે પહોંચતા અજાણ્યા શખ્સે તેનું બાઈક લઈ તેનો પીછો કર્યો હતો. ત્યારબાદ ચાવંડ પોસ્ટ ઓફિસે આવતા આ શખ્સે એક દુકાન પર ચા પીધી હતી અને બાદમાં મહિલા પોસ્ટ કર્મચારી કામ પૂર્ણ કરી ફરી નાના-રાજકોટ તરફ જઈ રહ્યા હતા.
જે બાદ આ અજાણ્યા શખ્સે ફરી તેનો પીછો કરી કરકોલીયા નજીક પહોંચતા મહિલા પોસ્ટ કર્મચારીના આડે બાઈક નાખી રોકાવ્યા હતા. આ શખ્સે મહિલા પોસ્ટ કર્મચારીની છેડતી કરી હતી. તે દરમિયાન મહિલા પોસ્ટ કર્મચારીએ પ્રતિકાર કરી ત્યાથી નિકળી ગયા હતા. સમગ્ર ઘટના અંગે લાઠી પોલીસ મથકમાં ગુનો નોંધાતા હેડ કોન્સ્ટેબલ એમ.બી.સિંધવ તપાસ ચલાવી રહ્યા છે.
