વડાપ્રધાનની સભાનો બંદોબસ્ત પૂર્ણ કરી આવતી મહિલા કોન્સ્ટેબલ અને 108ની કર્મચારીના અકસ્માતમાં મોત
અમદાવાદ શહેરમાં ગઈકાલે 25 પીએમ મોદી નરેન્દ્ર મોદી મહેમાન બન્યા છે. પીએમ મોદીનો સાંજે નિકોલમાં જાહેર કાર્યક્રમ હતો. જેથી આ બંદોબસ્ત પૂર્ણ કરીને ફરત ફરી રહેલી મહિલા પોલીસ કર્મી અને 108 મહિલા કર્મચારીને અકસ્માત નડયો હતો. જેમાં બંનેનાં મોત નિપજયા છે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના કઠવાડા વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પોલીસ બંદોબસ્તની ડયૂટી સુપેરે સંભાળીને પાછા ફરી રહેલાં બહેનપણીઓ બે મહિલા કર્મચારીઓને ગમખ્વાર અકસ્માત નડયો હતો.જેમાં પૂરપાટ વેગે ધસી આવતા ડમ્પરચાલકે ટક્કર મારતા એક્ટિવાચાલક અને સવાર મહિલા પોલીસકર્મી અને 108 મહિલા કર્મચારી નીચે ફંગોળાઈને પડયા હતા. જે બાદ આ ડમ્પરચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
આ અંગેની જાણ થતા લોકોનાં ટોળાં ઘટનાસ્થળે એકઠા થયા હતા. અને ત્યારબાદ પોલીસ પણ આવી ગઈ હતી. ગંભીર રીતે બંને ઈજાગ્રસ્ત મહિલા કર્મચારીઓને આસપાસનાં લોકોએ 108 બોલાવીને ખાનગી હોસ્પિટલ ખસેડયા હતાં. પરંતુ ટૂંકી સારવાર બાદ મહિલા પોલીસ કર્મી વિરલબેન રબારી અને 108 મહિલા કર્મી હીરલબેન રાજગોરનું મોત થયું હતું. સમગ્ર ઘટના અંગે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માત બાદ નાસી છૂટેલા ડમ્પરચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.