નાજુક પીંછાં પર કઠિન પરિશ્રમ કરી બનાવી ફેધર લાઈબ્રેરી
બેંગ્લોરમાં નેશનલ સેન્ટ્રલ ફોર બાયોલોજિકલ સાયન્સમાં 156 પ્રજાતિના પીંછાંની ભારતની પ્રથમ ફેધર લાઈબ્રેરી બનાવવાનું શ્રેય જાય છે ગુજરાતી યુવતી એશા મુન્શીને
પીંછાંના નાનકડા ટુકડામાંથી તેના જિનેટિક સહિત અઢળક અને અકલ્પનીય માહિતી મેળવી શકાય: એશા મુન્સી
નાજુક, મખમલી અને આકર્ષક રંગોના પંખીના પીંછાં કોઈને ન ગમે એવું બને?કોઈ પણ પંખીનું પીંછું માણસના હાથમાં આવે એટલે તે સહજ આનંદિત થઈ જાય.લીસું લીસું પીંછું ક્યારેક સાચવીને રાખી દેવાય તો ક્યારેક પુસ્તકમાં પણ મૂકી દેવાય પણ શું તમે જાણો છો પંખીમાં કેટલા પ્રકારના પીંછાં હોય છે? તમને ખબર છે કે પંખીઓના કદ અને ઉડવાની સ્ટાઇલ મુજબ પીછાનું કદ નાનું મોટું હોય છે? દરિયાઈ પંખી અને જમીનના પંખીના પીંછાંમાં શું ફેર હોય છે? તમને એ વાતની ચોક્કસ ખબર નહીં જ હોય કે પંખીના પીંછાં પરથી તેના વિશે અઢળક વાતો જાણી શકાય છે.ભારતમાં સૌ પ્રથમ વખત પંખીના પીંછા પર રિસર્ચ કરી ફેધર લાઈબ્રેરી બનાવી, અમદાવાદના એશા મુન્શીએ મખમલી પીંછાંના રિસર્ચ માટે અનેક શક્યતાના દ્વાર ખોલ્યા છે.
એશા મુન્શીનો જન્મ અને અભ્યાસ અમદાવાદમાં થયો.સંગીત જગતના ખૂબ જાણીતા યુગલ સૌમિલ મુન્શી અને આરતી મુન્શીના તેઓ દીકરી છે.આર્કિટેક્ટ ફિલ્ડનો અભ્યાસ કર્યો,દસ વર્ષ પ્રેક્ટિસ પણ કરી પરંતુ એક પીંછાં પ્રત્યેની ચાહનાએ જીવનની દિશા બદલી નાખી. દીકરીની કંઇક અલગ, અવનવું અને અદ્ભુત કામ કરવાના માર્ગમાં માતા-પિતાએ પ્રેરણા અને પ્રોત્સાહન પૂરા પાડ્યા.જીવનની દિશા બદલવાનો નિર્ણય જાણે કુદરતનો જ હોય તેમ એક વખત ઘરમાં એક બિલાડીએ બારી પર બેઠેલ પંખી પર હુમલો કર્યો અને પોતે બિલાડીને દૂર કરી પંખીને બચાવવાનો પ્રયત્ન કર્યો. આ સમયે પંખી તો ઉડી ગયું પણ પીંછાંની ભેટ આપતું ગયું.
આ એક નાનકડા પીંછાંને જોઈને તેના વિશે વધુ જાણવાની ઈચ્છા થઈ પણ આ બાબતની કોઈ માહિતી,રિસર્ચ મળ્યું નહીં.કોઈ જ માહિતી પ્રાપ્ય ન હોવાના કારણે આ વણખેડેલ ભૂમિ પર ખેડાણ કરવાની ઈચ્છા પ્રબળ બની.આ માટે એવા ક્ષેત્રમાં ઝંપલાવવાનું નક્કી કર્યું કે જેમાં શૂન્યમાંથી સર્જન કરવાનું હતું.એક દાયકાથી બર્ડ વોચિંગ કરતા સમયે પંખીઓ પ્રત્યે કૂણી લાગણી તો હતી જ પણ શું કરવું, ક્યાંથી શરૂઆત કરવી તે ખ્યાલ નહોતો એટલે કોમળ પીંછાંના રિસર્ચ માટે કઠિન પરિશ્રમ કરવાનો હતો.
પ્રારંભની મુશ્કેલીઓ વિશે તેઓએ જણાવ્યું કે, સૌપ્રથમ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એકટ વિશે માહિતી મેળવી.આ કામ માટે પબ્લિક ટ્રસ્ટને પરમિશન મળી શકે, જેથી એક ટ્રસ્ટ બનાવ્યું, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના હેડ પાસેથી રેસ્ક્યુ સેન્ટરમાંથી ફેધર કલેક્ટ કરવાની પરમિશન માગી, ત્યારબાદ સેન્ટર પર જાણ કરી કે જે સર્વાઇવ નથી કરી શકતા તેમાંથી ફેધર કલેક્ટ કરી આપવા.આ રીતે કામ શરૂૂ થયું. બેંગ્લોરમાં એનસીબીએસમાં રિસર્ચ કરી ફેધર લાઈબ્રેરી શરૂૂ કરી. થોડા દિવસ અમદાવાદ અને થોડા દિવસ બેંગ્લોર એ રીતે કામ શરૂૂ થયું. કોઈપણ નવું કામ આસાન હોતું નથી એ જ રીતે મુશ્કેલીઓ પણ આવી પરંતુ એક જ ધ્યેય હતું કે પંખીઓ વિશેનો બધો ડેટા સમાજને આપીને જવું છે જેથી નવી પેઢી આગળ કામ કરી શકે.
આ માટે એશાએ બર્ડ બાયોલોજીનો કોર્સ કર્યો, અમેરિકામાં માઈક્રો સ્ટ્રક્ચરની ટ્રેનિંગ લીધી. કોર્નર લેબ ઓફ ઓર્નેથોલોજી ગયા જ્યાં સ્પેસિમેન કઈ રીતે બનાવવા તે શીખ્યા. ગત વર્ષ વોશિંગ્ટન ડીસી માં માઈક્રોસ્ટ્રક્ચર વિશે જાણ્યું.તેઓ જણાવે છે કે ફેધરની આ દુનિયા દરિયો છે.રોજ નવું નવું શીખવા, જાણવા મળે છે તેમજ ભવિષ્યમાં પણ અવનવા અને માની ન શકાય તેવા રિસર્ચ થશે.પીંછાંના એક નાનકડા ટુકડા પરથી ઘણું જાણી શકાય છે. લાંબી ઉડાન ભરતા અને ટૂંકી ઉડાન ભરતા પંખીઓનું કદ અલગ અલગ હોય છે તેમાં રહેલ મેલેનીનનું પ્રમાણ અલગ અલગ હોય છે તેમજ પીંછાં પરથી પંખીઓના ડીએનએ પણ મળી શકે છે. અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર વગેરે દેશોમાં આ પ્રકારનું કામ થઈ રહ્યું છે.
અમેરિકામાં એરપોર્ટ પર બર્ડ હીટ ન થાય તે માટે એ વિસ્તારના પંખીઓ વિશે જાણી, તેઓ ત્યાં ન આવે તેવું વાતાવરણ બનાવવામાં આવે છે.લોકો વિચારે છે કે આનાથી શું ફાયદો? પણ આ રિસર્ચ ઝુઓલોજીના વિદ્યાર્થીઓ, બાળકો અને ડેઝર્ટેશન કરતા વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી થાય છે તેમજ ભવિષ્યમાં પણ આ રિસર્ચ ઉપરથી બીજી અનેક શોધ થાય એ પણ શક્ય છે. અમદાવાદમાં ફેધર લાઈબ્રેરી બનાવવાનું સ્વપ્ન સેવનાર એશા મુન્શીને ગુજરાત અને કર્ણાટક સિવાયના અન્ય રાજ્યો માટે પણ પરમિશન મળે તો વધુ બર્ડ પર કામ કરી શકાય. એશા મુન્શીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
પંખીઓના પીંછાંની રસપ્રદ દુનિયા
પીંછાંઓ વિશે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે મુખ્યત્વે પંખીઓમાં છ પ્રકારના પીંછાં હોય છે.
1.વિંગ ફેધર અને ટેલ ફેધર: વિંગ ફેધર જે પાંખના હોય છે અને ટેલ ફેધર જે પૂંછડી માટેના છે.
2.ફ્લાઇટ ફેધર: આ ઉડવા માટેના પીંછાં છે જે વિંગ વેધર અને ટેલ ફેધર બંને મળીને બને છે. જો પંખીમાં આ ફેધર નહીં હોય તો તે ઉડી શકશે નહીં
3.કુંટુંર ફેધર: જે શરીરને શેપ આપવા માટે હોય છે અને બહારની તરફ હોય છે.
4. ડાઉન ફેધર: જે ફ્લફી હોય છે અને અંદરની તરફ જોવા મળે છે. કુંટુંર ફેધર અને ડાઉન ફેધર બંને મળીને શરીર પરના પીંછાં બને છે.
5.બ્રિસેલ ફેધર: જે કાગડાની ચાંચ પર વાળ હોય તે પ્રકારના દેખાય છે.
6.ફાઈલોપ્લમ ફેધર: જે બહારથી દેખાઈ શકે તેવા હોતા નથી પરંતુ ફેધરની મૂવમેન્ટ માટેના હોય છે અને વાળથી પણ પાતળા હોય છે.
આમ દરેક પંખીમાં આ છ પ્રકારના પીંછાનું મિશ્રણ હોય છે ક્યાંક મોડિફિકેશન હોય છે ક્યાંક મિક્સ એન્ડ મેચ હોય છે. દરેક પંખી વર્ષમાં એક વાર જૂના પીંછાં ખેરવી નાખે છે અને નવા આવે છે પ્રથમ વખત પીંછાં ઉગી ગયા પછી બ્લડ વેસલ્સ સાથે કનેક્શન રહેતું નથી. રોજિંદા જીવનમાં પીંછાં ડેમેજ થાય છે અને ખરાબ થતા હોય છે તેથી આ પીંછાં ખરી જાય અને નવા ઉગે તે જરૂૂરી હોય છે.ઘણી વાર ડરના કારણે કે કોઈ હુમલો કરે ત્યારે પણ તે પીંછાં ખેરવી નાખે છે.
આ છે ફેધર લાઈબ્રેરી
એશા મુન્શીએ બેંગ્લોરમાં નેશનલ સેન્ટર ફોર બાયોલોજિકલ સાયન્સ એટલે કે એનસીબી એસ સાથે કોલેબરેશન કરી ફિઝિકલ પીંછાં પર રિસર્ચ કર્યું છે.આજે 156 પંખીઓની પ્રજાતિના 400 જેટલા નમુનાઓ ફેધર લાઈબ્રેરીમાં છે. અહીં બધા પીંછાં ક્લાઈમેટ કંટ્રોલ ફેસિલિટીમાં સેવ કરવામાં આવે છે, 20 ડિગ્રી ટેમ્પરેચર અને 50% હ્યુમિડિટી તેમજ પેસ્ટ ફ્રી , લાઈટ ફ્રી વાતાવરણ હોય છે.આ પીંછાંની લાઈફ સો વર્ષ જેટલી વધી જાય છે.તેઓ રિસર્ચ પછીનો દરેક ડેટા ઓન લાઈન વેબ સાઇટ પર મૂકે છે,ડિજિટલાઇઝેશન કરે છે જેથી માહિતી લોકોને ઉપયોગી થાય.આ વેબ સાઇટ પરથી બિલકુલ ફ્રી માં માહિતી જાણી શકાય છે.જો કોઈને બેંગ્લોરમાં ફેધર લાઈબ્રેરી વિશે જોવા, જાણવાન ઈચ્છા હોય તો તેઓ વેબ સાઇટ પરથી ઇમેલ કરી સમય મેળવીને મુલાકાત લઈ શકે છે.
Wrriten By: Bhavna Doshi