ભ્રષ્ટાચારનો ભય! સરકાર નાણાના બદલે શાળામાં ડાયરેકટ સ્પોર્ટ્સની કિટ જ અપાશે
રાજય સરકાર દ્વારા સરકારી શાળાઓમાં સ્પોટ્સ કિટ આપશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જેથી બાળકોનો સર્વાંગી વિકાસ થાય પરંતુ ખાટલે મોટી ખોટ છે. રાજયની મોટાભાગની શાળામાં રમત ગમત માટેનું મેદાન જ નથી તો બાળકો કિટ લઇ રમવા કયાં જશે તેવો સવાલો વિદ્યાર્થીઓમાં અને શિક્ષણવિદોમાં ઉઠી રહ્યા છે.
રમત-ગમત પ્રત્યે શાળાના બાળકોની રૂૂચી વધે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ તેમજ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ શાળાના બાળકોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ આગામી સમયમાં ગુજરાતની સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં બાળકો માટે રમત-ગમતના વિવિધ સાધનો સાથેની કુલ 34,483 સ્પોર્ટ્સ કીટ આપવામાં આવશે. કુલ રૂૂ. 29.45 કરોડથી વધુના ખર્ચે આપવામાં આવનાર આ સ્પોર્ટ્સ કીટમાં બાળકો માટે 30 પ્રકારના રમત-ગમતના સાધાનો આપવામાં આવશે.
સમગ્ર શિક્ષા અભિયાનની કચેરી દ્વારા વર્ષ-2022માં તમામ સરકારી સ્કૂલોને સ્પોર્ટ્સના સાધનો ખરીદવા માટે ગ્રાન્ટ આપવામાં આવતી હતી. આ વખતે સ્પોર્ટ્સ કીટ ખરીદવામાં વધુ પારદર્શકતા જળવાઈ રહે તેમજ વિદ્યાર્થીઓને યોગ્ય ગુણવત્તાયુક્ત સ્પોર્ટ્સ કીટ મળી રહે અને ઓછા ખર્ચે વધુ સાધન સામગ્રી બાળકોને મળી રહે તે હેતુથી સમગ્ર શિક્ષા દ્વારા રાજ્ય સરકારી શાળાઓમાં સીધી સ્પોર્ટ્સ કીટ જ આપવામાં આવશે.
કીટમાં સમાવિષ્ટ રમત-ગમતના સાધનો
વિદ્યાર્થીઓને આપવામાં આવનાર સ્પોર્ટ્સ કીટમાં કેરમ બોર્ડ, અલગ અલગ સાઈઝના ક્રિકેટ બેટ, બેડમિન્ટન, શટલ કોક, ફુટબોલ, વોલીબોલ, હેન્ડબોલ, ડિસ્કસ, શોટ પુટ રબર, જ્વેલીન, ચેસ સેટ, સ્કિપીંગ રોપ, હર્ડલ સેટ, માર્કિંગ કોન્સ સેટ, રિલે બેટન સેટ, સોસર કોન્સ સેટ, ટેની કોઈટ, ક્રિકેટ સ્ટમ્પ સેટ, ટેનિસ બોલ સોફ્ટ, ટેનિસ બોલ હાર્ડ, સ્ટોપ વોચ તેમજ એર હેન્ડ પંપનો સમાવેશ કરવામાં આવ્યો છે.