વઢવાણમાં રાત્રે પુત્રના અપહરણની પિતાએ ફરિયાદ નોંધાવી, સવારે લાશ મળી
વઢવાણમાં રહેતા પરીવારનો 17 વર્ષીય પુત્ર તા. 22ના રોજ રાતના સમયે બાઈક લઈને જોરાવરનગર સગાને ત્યાં ગયો હતો. જયાંથી મોડી રાત સુધી પરત ન આવતા પરીવારજનોએ શોધખોળ બાદ તા. 23ના રોજ રાત્રે વઢવાણ પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં તા. 24ના રોજ સવારે સગીરની લાશ વઢવાણ ભોગાવા નદીમાંથી મળી આવી છે. વઢવાણના ઘરશાળા રોડ પર આવેલ શકિતનગરમાં 45 વર્ષીય પીયુષભાઈ પ્રવીણભાઈ પરમાર રહે છે. તેઓ ઘર પાસે મોમાઈ કીરાણા સ્ટોરની દુકાન ચલાવી ગુજરાન ચલાવે છે.
તેમનો 17 વર્ષીય પુત્ર ચીરાગ તા. 22ના રોજ રાત્રે પીયુષભાઈના બનેવી જોરાવરનગરના ખારાકુવા પાસે રહેતા સુરેશભાઈ કુબેરભાઈ સોલંકીના ઘરે બાઈક લઈને ગયો હતો. જયાંથી મોડી રાત સુધી પરત ન ફરતા પરીવારજનોએ તપાસ આદરી હતી. જયારે તા.23ના રોજ સવારે તેઓનું બાઈક વઢવાણ ધોળીપોળ જુના પુલ પરથી મળી આવ્યુ હતુ. ચીરાગ ન મળી આવતા અંતે તા. 23ના રોજ મોડી રાત્રે પીયુષભાઈએ વઢવાણ પોલીસ મથકે 17 વર્ષીય ચીરાગનું કોઈ અપહરણ કરીને લઈ ગયાની ફરિયાદ નોંધાવી હતી. આ દરમીયાન તા. 24ના રોજ સવારના સમયે ભોગાવા નદીના કીચડમાં કોઈની લાશ પડી હોવાની જાણ થતા વઢવાણ પોલીસની ટીમ તથા પરીવારજનો દોડી ગયા હતા. અને લાશને બહાર કઢાતા તે ચીરાગ પરમાર હોવાનું સામે આવ્યુ હતુ. પોલીસે લાશને પીએમ માટે મોકલી આપી બનાવની વધુ તપાસ હાથ ધરી છે.