ધ્રાંગધ્રામાં પિતાએ પુત્ર સાથે કેનાલમાં પડતું મૂકયું, ફાયર બ્રિગેડ દ્વારા રાતભર શોધખોળ
ઘરકંકાસને કારણે અંતિમ પગલુ ભર્યાનું અનુમાન, ઠાકોર સમાજમાં ચકચાર
ધ્રાંગધ્રા તાલુકાના જસમતપુર ગામે પિતા-પુત્રએ એકસાથે નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. હાલ ફાયર ફાયટર ટીમ દ્વારા કેનાલમાં ડૂબેલા પિતા-પુત્રના મૃતદેહની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં ઘર કંકાસ કારણભૂત હોવાનું બહાર આવ્યું છે. જોકે, પોલીસે મૃતદેહો મળ્યા બાદ આગળ તપાસ હાથ ધરવામાં આવશે.
જસમતપુરના રહેવાસી મહેશભાઈ મફતભાઈ ઠાકોર (ઉ.વ. 35) અને તેમના પુત્ર દેવરાજ મહેશભાઈ ઠાકોર (ઉ.વ. 9) એ ગુરુવારે સવારે ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું હતું. આજુબાજુના વાડી વિસ્તારમાં કામ કરતા મજૂરોને આ અંગે જાણ થતાં તેમણે તાત્કાલિક ગામના અન્ય લોકનોને જાણ કરી હતી. ગ્રામજનો કેનાલ ખાતે દોડી ગયા હતા અને પોલીસને જાણ કરતા કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
ધ્રાંગધ્રા પાલિકાની ફાયર ફાયટર ટીમ દ્વારા તાત્કાલિક કેનાલમાં ડૂબેલા પિતા-પુત્રના મૃતદેહની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ મોડી સાંજ સુધી તેમના મૃતદેહનો કોઈ પત્તો લાગ્યો નહોતો. પિતા-પુત્રએ કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા નથી, પરંતુ આત્મહત્યા પાછળ ઘર કંકાસ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. જોકે, પોલીસના જણાવ્યા અનુસાર મૃતદેહો મળ્યા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે. પિતા-પુત્રના આ ગમગીન બનાવથી જસમતપુર પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે.