જૂનાગઢ ગેસ લીકેજ બ્લાસ્ટમાં બાળક બાદ પિતાએ દમ તોડયો
થોડા દિવસો પહેલા જ જૂનાગઢના ગણેશ નગરમાં રાત્રિના સમયે રસોડામાં ગેસનો બાટલો લીકેજ થવાને કારણે બ્લાસ્ટ થયો હતો. રસોડામાં ધડાકા સાથે લાગેલી આગની ઘટનામાં માતા-પિતા, બાળક સહિત ચાર લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. પ્રથમ આ પરિવારને જૂનાગઢ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન માસુમ બાળકનું મૃત્યુ થયું હતું. ત્યારે ગઈકાલે ગંભીર રીતે દાઝેલા કટારીયા પરિવારના વિજય કાનજીભાઈ કટારીયાનું મૃત્યુ થતાં પરિવાર પર આભ ફાટયાની પરિસ્થિતિ સર્જાય છે. ત્યારે હજુ પણ કટારીયા પરિવારના મનીષાબેન વિજયભાઈ કટારીયાની તબિયત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગત મંગળવારની રાત્રે 11 આસપાસ વિજયભાઈ તથા મનીષાબેન તેમના પુત્રને દૂધ પીવડાવવા માટે રસોડામાં ગયા હતા. ત્યારે મહિલાએ રસોડાની સ્વીચ ચાલુ કરતા બ્લાસ્ટ થવાની સાથે આગ લાગી હતી. આ ઘટનામાં ત્રણેય દાઝી ગયા હતા અને તેમને બચાવવા જતા કાનજીભાઈ પણ ગંભીર રીતે દાઝી ગયા હતા. આ ઘટનામાં પરિવારના રસોડામાં ગેસ સ્ટવ રાંધણગેસના સિલિન્ડર વગેરે સરસામાન સલામત જોવા મળ્યો હતો. બ્લાસ્ટનો અવાજ ઘટના સ્થળથી 150 મીટર સુધી સંભળાતા પાડોશીઓ દોડી આવ્યા હતા. આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસે કાનજીભાઈ કટારીયાના નિવેદનના આધારે જાણવા જોગ નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી.