દીપડાના મોઢામાંથી 8 વર્ષના પુત્રને ઝૂંટવી ભાગવા જતાં પિતા ફેન્સિંગ તારમાં ઘૂસી ગયા: બંનેને ઈજા
- અમરેલીના જાળીયા ગામની ઘટના: ઈજાગ્રસ્ત પિતા-પુત્રને સારવારમાં ખસેડાયા
અમરેલી તાલુકાના જાળીયા ગામે ખેત મજુરી અર્થે આવેલો પરિવાર રાત્રિના ખુલ્લામાં સુતો હતો ત્યારે મધરાત્રે દીપડાએ હુમલો કરી આઠ વર્ષના બાળકને ઉપાડીને ભાગ્યો હતો. પુત્રને બચાવવા પિતાએ પાછળ દોડી દીપડાના મોંઢામાંથી આઠ વર્ષના પુત્રને ઝુટવી લઈ ભાગવા જતાં પિતા પુત્ર સાથે ફેન્સીંગ તારમાં ઘુસી ગયા હતાં. પિતા-પુત્રને ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની અને હાલ અમરેલી તાલુકાના જાળીયા ગામે રહેતા કિશોરભાઈ ઠુંમરની વાડીએ ખેત મજુરી અર્થે આવેલો શ્રમિક પરિવાર રાત્રિનાં વાડીએ ખુલ્લામાં સુતો હતો ત્યારે રાત્રિનાં બે વાગ્યાના અરસામાં દીપડો ત્રાટકયો હતો અને શ્રમિક પરિવારના અજય રાજુભાઈ અજનાર નામના આઠ વર્ષના માસુમને ઉપાડી ચાલતો થયો હતો. ઘટનાના પગલે આસપાસ સુતેલા પરિવારના લોકો જાગી જતાં તેમણે રાડારાડી કરી હતી અને આઠ વર્ષના માસુમ અજય અજનારના પિતા રાજુભાઈ અજનારે દીપડાને પડકાર્યો હોય તેમ પુત્રને બચાવવા દીપડા પાછળ દોટ મુકી હતી અને દીપડાના મોંઢામાંથી આઠ વર્ષના પુત્રને ઝુંટવી પિતા રાજુભાઈ અજનાર ભાગ્યા હતાં તે દરમિયાન રાજુભાઈ અજનાર અંધારાના કારણે ફેન્સીંગ તારમાં ફસાઈ ગયા હતાં. પુત્ર અજય અજનાર અને પિતા રાજુભાઈ રમેશભાઈ અજનાર (ઉ.27)ને ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેમની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
પ્રાથમિક પુછપરછમાં દીપડાએ કરેલા હુમલામાં ઘવાયેલા આઠ વર્ષનો માસુમ બે ભાઈ એક બહેનમાં મોટો હતો અને તેનો પરિવાર બે દિવસ પૂર્વે જ મધ્યપ્રદેશથી ખેત મજુરી અર્થે જાળીયા ગામે આવ્યો હતો અને માસુમ બાળક પરિવાર સાથે સુતો હતો ત્યારે નિંદ્રાધીન માસુમ બાળકને દીપડાએ ગરદનથી પકડી ભાગ્યો હતો જેના કારણે માસુમ બાળકને ગરદનના ભાગે ઈજા પહોંચી હોવાનું અને પુત્રને બચાવવા ગયેલા પિતા ફેન્સીંગ તારમાં ફસાતા ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે અમરેલી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.