ધોરાજી પાસે ભાદર નદીમાં માસૂમ પુત્રીની નજર સામે પિતા-ભાઈનો આપઘાત
જૂનાગઢથી પુત્ર-પુત્રીને ફરવા લઈ આવેલા પિતાએ પુત્ર સાથે મોડી સાંજે અચાનક ભાદર નદીમાં પડતું મૂકી દીધું
માસૂમ પુત્રીએ મામાને જાણ કરતાં પરિવારજનો ધોરાજી દોડી આવ્યા
જૂનાગઢના દાતાર રોડ પર રહેતા રીક્ષા ચાલકે પુત્રી અને પુત્ર સાથે ધોરાજી ફરવા આવ્યા બાદ ભાદર નદીમાં માસુમ પુત્રીની નજર સામે પુત્ર સાથે ઝંપલાવી દેતાં પિતા-પુત્રનું મોત થયું હતું. અચાનક ભરેલા આ પગલાંથી પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતાં. ભાઈ અને પિતાએ ભાદર નદીમાં પુલ ઉપરથી ઝંપલાવ્યા અંગે માસુમ પુત્રીએ ફોન ઉપર મામાને જાણ કરતાં પરિવારજનો ધોરાજી દોડી આવ્યા હતાં. આ બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડે મૃતદેહને શોધવા આખી રાત મહેનત કરી હતી. જેમાં પુત્રનો મૃતદેહ હાથ લાગ્યો હતો. સવારે પિતાનો મૃતદેહ પણ હાથ લાગ્યો હતો. એક જ પરિવારના બે સભ્યોના મોતથી ભારે શોક વ્યાપી ગયો છે.
મળતી વિગત મુજબ, ધોરાજી પોરબંદર હાઈવે પર પુલ ઉપરથી રીક્ષા ચાલક અને તેના પુત્રએ ઝંપલાવી આપઘાત કરી લીધાની સનસનીખેજ ઘટનામાં હૈયુ હચમચાવી દે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં. જૂનાગઢના દાતાર રોડ પર પાંજરાપોળ પાસે રહેતા 42 વર્ષિય હિરેન જસ્વાલ તેના નવ વર્ષના પુત્ર રિયાન્સ અને પુત્રી સાથે જૂનાગઢથી ધોરાજી ફરવા આવ્યો હતો. મોડી સાંજે ત્રણેય જૂનાગઢ તરફ જવા રવાના થયા ત્યારે હીરેને પોતાના ભત્રીજાને ફોન કરી વરસાદ હોય તેડી જેવા માટે જણાવ્યું હતું. જેથી ભત્રીજો ધોરાજી આવવા નિકળ્યો હતો થોડીવાર બાદ હિરેનની માસુમ પુત્રીએ પોતાના મામાને ફોન કરી પિતા અને ભાઈએ પુલ ઉપરથી નદીમાં ઝંપલાવ્યું છે અને હું અહિં એકલી ઉભી છું તેવી વાત કરી હતી. જેથી હીરેનનો સાળો અને તેના પત્ની ધોરાજી પાસે બનાવ સ્થળે દોડી આવ્યા હતાં.
આ બનાવ અંગે ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. હીરેનના કૌટુંબીક સસરા કિરીટ ચંપકલાલ જસ્વાલ પણ દોડી આવ્યા હતાં. તેમણે પોલીસ સમક્ષ જણાવ્યું કે હિરેનની પત્ની સાડીના કારખાનામાં મજુરી કામે જતી હોય સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી તે મજુરી કામે જાય છે અને હિરેન રીક્ષા ચલાવતો હોય.
બનાવના દિવસે હિરેન પોતાના પુત્ર અને પુત્રીને લઈને ધોરાજી જવા નીકળ્યો હતો અંને સાંજે તેણે વરસાદ હોય સાળાને તેડી જવા માટે ફોન કર્યો હતો. આ ઘટનાથી પરિવારજનોમાં ભારે શોક વ્યાપી ગયો છે. હીરેને આ પગલું શા માટે ભરી લીધું ? તે અંગે હજુ સુધી પરિવારજનોને પણ કોઈ જાણ નથી.