જેતપુર-પોરબંદર હાઇવે પર ગમખ્વાર અકસ્માત, રેલિંગ તોડી ST પુલ નીચે ખાબકતાં 10 ઘાયલ
રાજકોટ જિલ્લાના જેતપુર નજીક આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. ઢાંક-જેતપુર રૂૂટની એક ગુજરાત રાજ્ય પરિવહન નિગમની (ST ) બસ જેતપુર-પોરબંદર હાઇવે પર ગુંદાળા ગામ નજીક પુલની રેલિંગ તોડીને નીચે ખાબકતા મોટો અકસ્માત થયો હતો. આ બસમાં અંદાજે 17 જેટલા મુસાફરો સવાર હતા, જેમાંથી કુલ 10 જેટલા મુસાફરોને ઈજા પહોંચી છે.
પ્રાથમિક માહિતી મુજબ, બસના ડ્રાઇવરને ચાલુ બસે ચક્કર આવી જતાં તેણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. ડ્રાઇવરના બેકાબૂ થવાને કારણે બસ પુલની રેલિંગ સાથે અથડાઈ અને નીચેના ભાગમાં પડી જતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. અકસ્માતની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે સ્થાનિક લોકો અને રાહદારીઓએ બચાવ કામગીરી શરૂૂ કરી હતી.
ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ઝડપથી વ્યવસ્થા કરવામાં આવી હતી. આશરે 5 થી 6 જેટલી એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને તેના મારફતે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તો પૈકી 4 મુસાફરોને ધોરાજીની હોસ્પિટલમાં અને બાકીના 6 મુસાફરોને જેતપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. હાલ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
