ઉનામાં ગમખ્વાર અકસ્માત ; બે સગાભાઇ સહિત ત્રણના મોત
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કેસરીયા ગામ નજીક બુધવારે રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, હિટ એન્ડ રનમાં બે અલગ-અલગ બાઇકને એક પૂરપાટ દોડતી બોલેરો ગાડીએ અડફેટે લેતાં ત્રણ વ્યક્તિના કરુણ મોત નીપજ્યાં હતાં. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
જેમાં કેસરીયા ગામના બે સગા ભાઈ અને નાથડ ગામના એક યુવાનનું પણ કરૂૂણ મોત થયું છે. જ્યારે એક સગીરાને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ છે. ત્રણેય યુવકોને હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાતા વાતાવરણ શોકમય અને કરૂૂણ બન્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, કેસરીયા નજીક સોનારી ગામના રસ્તે રાત્રે દીવ તરફ જઈ રહેલી બોલેરો જીપના ચાલકે બે બાઇકને ધડાકાભેર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કેસરીયા ગામના બે યુવાનો તેમજ નાથડ ગામના એક યુવાન સહિત કુલ ત્રણ વ્યક્તિનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું.
આ ગમખ્વાર અકસ્માતમાં હિતેશ જગદીશભાઈ શિંગડ (ઉં.વ.20) રહે. કેસરીયા તથા પરિમલ જગદીશભાઈ શિંગડ (ઉં.વ.11) રહે. કેસરીયા તેમજ ભીખા નારણભાઈ દમણિયા (ઉં.વ.35) રહે. નાથડ યુવકોનું મોત થયું છે. જ્યારે કલુબેન મંગાભાઈ શિંગડ (ઉં.વ.17) ગંભીર રીતે ઘાયલ થયાં છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
અકસ્માતમાં મૃત્યુ પામેલા હિતેશ શિંગડ (ઉં.વ.20) પોતાની બાઇક પર તેમના નાના ભાઈ પરિમલ શિંગડ (ઉં.વ.11) અને કાકાની દીકરી કલુબેન મંગાભાઈ શિંગડ (ઉં.વ.17) સાથે કેસરીયાથી સોનારી ગામ નજીક આવેલી પોતાની વાડી તરફ જઈ રહ્યા હતા. જ્યારે, ભીખા દમણિયા (ઉં.વ.35) સોનારી ગામેથી બાઇક લઈને નાથડ ગામે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન, કેસરીયા નજીક પૂરપાટ ઝડપે આવી રહેલી બોલેરો જીપે આ બંને બાઇકને ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત સર્જાયા બાદ સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મૃતકો તેમજ ઇજાગ્રસ્તને ઉનાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટના હિટ એન્ડ રનની હોવાના કારણે કેસરીયા અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો અને મૃતકોના સગા-સંબંધીઓ હોસ્પિટલે દોડી આવ્યા હતા. એક જ પરિવારના બે સભ્યો સહિત ત્રણના મોત થતા શોકમય વાતાવરણ સર્જાયું હતું.
બોલેરો ચાલક અકસ્માત સર્જીને નાસી છૂટ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ઉના હોસ્પિટલના તબીબે પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને ફરાર બોલેરો ચાલકને ઝડપી પાડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.