ઉત્તરાખંડના ટિહરીમાં ગમખ્વાર અકસ્માત: મુસાફરોથી ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 5 ગુજરાતીના મોત
ઉત્તરાખંડના ટિહરીમાં આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટિહરીના નરેન્દ્ર નગર વિસ્તારમાં કુંજપુરી-હિંદોળાખાલ નજીક એક પેસેન્જર બસ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા. SDRFએ અહેવાલ આપ્યો હતો કે અકસ્માત સમયે બસમાં 28 મુસાફરો સવાર હોવાનું જાણવા મળે છે. બધા મુસાફરો ગુજરાતથી કુંજપુરી મંદિરના દર્શન કરવા આવ્યા હતા. આ તમામ મૃતકો ગજરાતી હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની માહિતી મળતાં, પોલીસ અને વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, કુંજપુરી-હિંદોળાખાલ નજીક બસે કાબુ ગુમાવ્યો હતો અને સીધી 70 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. SDRFની પાંચ ટીમો ઘટનાસ્થળે હાજર છે.
જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે અને ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનું કારણ નક્કી કરવા માટે તપાસ શરૂ કરી છે. SDRF ટીમો ઘટનાસ્થળે બચાવ કામગીરીમાં રોકાયેલી છે. જોકે, ટિહરીના સીએમઓ શ્યામ વિજયે જણાવ્યું હતું કે, "બસમાં કુલ ૧૮ લોકો સવાર હતા. પાંચના મોત થયા છે, જ્યારે ૧૩ અન્ય ઘાયલ થયા છે. ઘાયલ મુસાફરોમાંથી ત્રણને એઈમ્સ ઋષિકેશ રિફર કરવામાં આવ્યા છે, અને ૧૦ લોકોને સારવાર માટે નરેન્દ્ર નગર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે."
સીએમ પુષ્કર સિંહ ધામીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું. એક પોસ્ટમાં તેમણે લખ્યું, "ટિહરીના નરેન્દ્ર નગરમાં કુંજપુરી મંદિર પાસે બસ અકસ્માતના સમાચાર ખૂબ જ દુઃખદ છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ મૃતકોના આત્માઓને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારોને આ અપાર નુકસાન સહન કરવાની શક્તિ આપે. જિલ્લા વહીવટીતંત્ર અને એસડીઆરએફ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં મોકલી રહ્યા છે, અને ગંભીર રીતે ઘાયલોને એઈમ્સ ઋષિકેશ રિફર કરવામાં આવ્યા છે. હું આ બાબતે સ્થાનિક અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છું. હું ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે ભગવાનને પ્રાર્થના કરું છું."