સુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માત: ડમ્પર-કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં 4 મહિલાનાં મોત
રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરમાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર-માલવણ હાઈવે પર ડમ્પર અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં ચાર મહિલાઓના મોત થયાં છે. હાઈવે પર આવેલા ઝેઝરી ગામ નજીક આ ગોઝારો અકસ્માત સરકયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર કારમાં સવાર શ્રદ્ધાળુઓ શક્તિમાતાના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન સુરેન્દ્રનગરથી માલવણ તરફ પુરઝડપે આવી રહેલા ડમ્પર સાથે કારની જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર ચારેય મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયાં હતા. આ અકસ્માતમાં કારમાં સવાર એક પુરુષને ગંભીર ઇજાઓ પહોંચતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે, મૃતક મહિલાઓના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. મૃતક મહિલાઓમાં બે મહિલાઓ મૂળ ડેરવાળાના વતની છે અને હાલમાં અમદાવાદમાં રહે છે. જ્યારે અન્ય બે મૃતક મહિલાઓ અમદાવાદમાં તેમના પાડોશી હોવાની વિગતો મળી છે.
આ ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવતા તાત્કાલિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચયા હતા. પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.