For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ડુંગળી પકાવતા ખેડૂતોને રોવાનો વારો, યાર્ડમાં પાણીના ભાવે વેચાણ

12:04 PM Nov 07, 2025 IST | admin
ડુંગળી પકાવતા ખેડૂતોને રોવાનો વારો  યાર્ડમાં પાણીના ભાવે વેચાણ

કિલોનો ભાવ રૂા. અઢીથી પાંચ થઇ જતા ખેડૂતો પાયમાલ, ઉત્પાદન-મજૂરી ખર્ચ માથે પડતા ઉભા પાક ઉપર રોટાવેટર ફેરવી દેવાની નોબત

Advertisement

સૌરાષ્ટ્રનાં માર્કેટિંગ યાર્ડ્સમાં આ વર્ષે ડુંગળીનું બમ્પર ઉત્પાદન થયું હોવા છતાં ખેડૂતોની હાલત દયનીય બની છે. સમગ્ર સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ડુંગળીનું મોટા પાયે વાવેતર થયું હતું, પરંતુ હાલમાં બજારમાં ડુંગળીના ભાવ ઉત્પાદન ખર્ચ કરતાં પણ નીચા મળી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠીને પોતાની ડુંગળી વેચવાની ફરજ પડી રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પોતાની વ્યથા ઠાલવતા ખેડૂતોએ જણાવ્યું હતું કે, તેમને પ્રતિ કિલો રૂૂ. 2.5થી લઈ રૂૂ. 5 સુધીના જ ભાવ મળી રહ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં નવી ડુંગળીના ભાવ રૂૂ. 50થી શરૂૂ થઈને માત્ર રૂૂ. 200 સુધી જ છે, જે ખેડૂતો માટે પાયમાલી સમાન છે. ત્યારે સરકાર સહાય આપે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે.

વાંકાનેરના ખેડૂત જાકિરભાઈ ભોરણીયાએ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જણાવ્યું કે, તેઓ 135 રૂૂપિયાના ભાવે ડુંગળી લઈને આવ્યા હતા, જેમાં તેમને રૂૂ. 130નો ભાવ મળ્યો છે. એટલે કે, તેમને માંડ રૂૂ.5થી 6 પ્રતિ કિલોનો ભાવ મળ્યો છે. આ ભાવે તેમને વળતર મળતું નથી અને ઊલટું નુકસાન થઈ રહ્યું છે. એક વીઘા દીઠ રૂૂ. 20,000થી 25,000 રૂૂપિયાનો ખર્ચ થાય છે. આ ખર્ચમાં હાલમાં રૂૂ. 350થી 400 રૂૂપિયાની મજૂરી અને રૂૂ. 14થી 15 બિયારણનો ખર્ચ અને ભાડાનો ખર્ચ ઉમેરવામાં આવે તો તેમને લઈને આવવાથી લઈને ઉપાડવા સુધીના ખર્ચ બાદ એક રૂૂપિયો પણ વધતો નથી, ઊલટું નુકસાની જઈ રહી છે.

Advertisement

વધુમાં તેમણે જણાવ્યું કે, તેઓએ 15થી 20 વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યું છે, પરંતુ આ ભાવોને કારણે હવે તેમણે ડુંગળીના પાક પર રોટાવેટર ફેરવી દેવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, તેઓ હવે ડુંગળીનું વાવેતર નહીં કરે, કારણ કે તેમાં ખોટ જઈ રહી છે. ડુંગળીના આટલા નીચા ભાવ મળવાના કારણો વિશે જાકિરભાઈએ સરકારની નીતિઓ અને ખાસ કરીને ભાજપ સરકારની અમુક નીતિઓને જવાબદાર ગણાવી હતી અને કહ્યું હતું કે ગયા વર્ષે સરકારે નિકાસ પર બેન મૂક્યો હતો, જેના કારણે પણ ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી.

રાજકોટના અન્ય ખેડૂત શૈલેષભાઈએ પણ ડુંગળીના ભાવને લઈને પોતાની પીડા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે બજારમાં ભાવ માત્ર રૂૂ. 100થી 125 ચાલી રહ્યા છે, જેના કારણે મજૂરી ખર્ચ પણ નીકળતો નથી. તેમણે પણ 3 વીઘામાં વાવેતર કર્યું છે અને મજૂરી ખર્ચ નહીં નીકળવાને કારણે ડુંગળીના પાક પર રોટાવેટર ફેરવી દેવાનું મન બનાવી લીધું છે. શૈલેષભાઈના મતે ડુંગળીના ભાવ ઓછામાં ઓછા રૂૂ. 500થી 600 હોવા જોઈએ, જે તેમને દર વર્ષે મળે છે, પરંતુ આ વર્ષે મળ્યા નથી. આ વર્ષે ડુંગળીના વાવેતરમાં તેમને રૂૂ. 25,000 જેટલી જાત નુકસાની ગઈ છે, તેથી આવતા વર્ષે તેઓ ડુંગળી વાવશે નહીં.

સરકાર ટેકાના ભાવે ખરીદી કરે, ડુંગળીની નિકાસ તાત્કાલિક શરૂ કરો
ખેડૂતોએ સરકાર પાસે માગ કરી છે કે જો સરકાર ખેડૂતોને ટેકાના ભાવે ખરીદી કરીને મદદ કરે અથવા ખેડૂતોને સહાય પૂરી પાડે, તો જ ખેડૂતો ટકી શકશે, નહીં તો આ પરિસ્થિતિમાં ખેડૂત સંપૂર્ણપણે પાયમાલ થઈ જશે. શૈલેષભાઈએ ખાસ કરીને માગ કરી કે સરકારે ડુંગળીની નિકાસ તાત્કાલિક ધોરણે ચાલુ કરવી જોઈએ, જેથી ખેડૂતોને તેમના ઉત્પાદનનો યોગ્ય પારિતોષિક મળી શકે. આ પરિસ્થિતિ સ્પષ્ટપણે દર્શાવે છે કે બમ્પર ઉત્પાદન છતાં યોગ્ય બજાર વ્યવસ્થા અને સમયસર સરકારી નીતિના અભાવે ખેડૂતોને પોતાનો પાક નુકસાન સાથે વેચવાની કે નષ્ટ કરી દેવાની ફરજ પડી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement