ખીજડિયામાં ગૌચરમાં દબાણના મુદ્દે ખેડૂતો દ્વારા આત્મવિલોપનની ચીમકી
જાહેર માર્ગ પણ દબાવી દીધો, પોલીસ બંદોબસ્ત આપવામાં ટીડીઓ-મામલતદારની ફેંકાફેકીનો આક્ષેપ
રાજકોટના મોરબીરોડ ઉપર આવેલ ખીજડિયા ગામની ગૌચરની પાંચ એકર જમીનમાં એક વગદાર શખ્સે ગેરકાયદે પેશકદમી કરી રાજાશાહી વખતનો ગવરીદળ ગામને જોડતો માર્ગ પણ દબાવી દીધેલ હોવાની ગામના સરપંચ સહિતના ખેડુતોએ કલેક્ટર કચેરીમાં આત્મવિલોપનની ચીમકી આપતા ચકચાર જાગી છે.
આ અંગે આવેદન આપી જણાવેલ છે કે, ખીજડિયા ગામે રમેશભાઈ ભનુભાઈ કામાણી દ્વારા ગૌચર 249/2 સર્વે નં.માં અનાધિકૃત 15 વર્ષથી દબાણ કરેલ છે. ગ્રામ પંચાયત દ્વારા ત્રણ વખત નોટીસ પાઠવવામાં આવેલ છે. જેના માટે છેલ્લા દોઢ વર્ષથી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જીલ્લા વિકાસ અધિકારીને અવાર-નવાર રજૂઆત કરેલ છે અને ગ્રામ પંચાયત સરપંચ દ્વારા નિયમઅનુસાર નોટીશો પાઠવેલ તેમ છતાં કોઈના કોઈ પ્રેસરના કારણે અપુરતા કાગળોના બહાના બતાવીને જીલ્લા વિકાસ અધિકારી દ્વારા ગ્રામ પંચાયતના દબાણ દૂર કરવાના કાર્યક્રમને મોકુફ રાખવેલ છે. તો આ બાબતે કલેક્ટર દ્વારા ન્યાય અપાવવા વિનંતી કરી અને જો કલેક્ટર દ્વારા ન્યાય નહીં મળે તો ખેડુતોને આત્મવિલોપન સિવાય કોઈ રસ્તો બચતો નથી તેવુ જણાવેલ છે.