ગોંડલ પીજીવીસીએલ કચેરીને ખેડૂતોનો ઘેરાવ, તાળાબંધીની ચિમકી
ગોંડલમાં પીજીવીસીએલના વિજ ધાંધિયા સામે ખેડૂતો રોષે ભરાયા હતા.અને મોટી સંખ્યામાં એકત્રીત થઇ પીજીવીસીએલ કચેરીએ દોડી જઇ અધિકારીઓ સામે આક્રોશ ઠાલવી જો બે દિવસ માં વિજ પાવર અંગે યોગ્ય નહી કરાય તો પીજીવીસીએલ કચેરીને તાળા મારી ધરણા કરાશે ઉપરાંત લાખોનુ બિયારણ નિષ્ફળ જશે તો તંત્ર સામે વળતર માટે કોર્ટ માં દાવો કરાશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.બીજી બાજુ નિંભર તંત્ર વાહકો દ્વારા લાજવાને બદલે ગાજી ઉઠયા કે અમારાં પર દબાણ કરાશે તો અમો રજા ઉપર ઉતરી જઇશુ.
વરસાદ થયા બાદ વાવણી કરાઇ હોય લાઇટ વગર પાણી પાઇ શકાતુ નાં હોય ખેડુતોની વેદના સામે તંત્ર દ્વારા પલાયનવાદ દાખવતા ચકચાર મચી જવા પામીછે.પ્રાપ્ત વિગત મુજબ નાગડકા રોડ સહિત નાં ખેડૂતો છેલ્લા દોઢ મહીનાં થી વિજ ધાંધિયા પરેશાન હોય અનેક રજૂઆતોને અંતે પીજીવીસીએલ કચેરીએ દોડી ગયા હતા.
ખેડૂત આગેવાન મનુભાઇ ગજેરાએ આક્રોશ ઠાલવતા કહ્યુ કે છેલ્લા દોઢ મહીનાથી દિવસ માં આઠ થી દશ વખત લાઇટ ચાલી જાય છે.વરસાદ થતા ખેડૂતો એ વાવણી કરી દીધી છે.કુવા પાણીથી ભરેલા છે.પણ વિજ ધાંધીયાને કારણે પિયત થઇ શકતુ નાં હોય લાખોનું બિયારણ નિષ્ફળ જાય તેવી દહેશત છે.મનસુખભાઈ સખીયાએ કહ્યુ કે જ્યારે પણ લાઇટ જાય ત્યારે તંત્ર દ્વારા જવાબ મળે કે પાવર સપ્લાય માં ખામી સર્જાઇ છે.કાંતો મેન્ટેનન્સ કે ફોલ્ટ નુ બહાનું બતાવાય છે.
વાસ્તવ માં ફોલ્ટ શેનો છે.એ જવાબ કોઈ અધિકારીઓ પાસે નથી.અહી પોપાબાઇ નું રાજ ચાલેછે.તેવો કટાક્ષ કરી મનસુખભાઈ સખીયાએ જો બે દિવસ માં તંત્ર દ્વારા યોગ્ય નહી કરાય તો પીજીવીસીએલ કચેરી સામે ધરણાં તથા તાળાબંધી કરવા તેમણે ચિમકી ઉચ્ચારી હતી.ખેડુત વિપુલભાઈ રૈયાણી તથા યોગેશભાઈ રૈયાણ઼એ કહ્યુ કે પીજીવીસીએલ કર્મચારીઓ તથા કોન્ટ્રાક્ટરો વચ્ચે કોઈ સંકલન નથી.એકબીજા પર દોષ નો ટોપલો ઢોળી રહ્યાછે.
એક વર્ષ થી ગ્રામ્ય વિસ્તાર માં બે ડીવીઝન કાર્યરત બન્યાછે.નવા સ્ટાફ ની નિમણુંક કરાઇ છે.છતા પરિસ્થિતિ સુધરવાને બદલે વધુ બગડી છે.વિજ કાપ રોજીંદો બન્યોછે.ઉલ્લેખનીય છે કે ગોંડલ શહેર માં પણ થોડા દિવસ પહેલાં રોજીંદા વિજ ધાંધીયાથી પરેશાન લોકોનાં ટોળાએ પીજીવીસીએલ કચેરીએ મોડી રાતે દોડી જઇ હંગામો મચાવ્યો હતો.