ખેડૂતોએ સરકારની મરેલી આત્મા માટે મરણ પોક મૂકી
ખંભાળિયા ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકશાનના સરવેના વિરોધમાં કિસાન આક્રોશ સભા, મશાલ રેલી અને ત્યારબાદ સરકારની મરેલી આત્માને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે સમગ્ર ગુજરાતમાં પણ કમોસમી વરસાદનો માર ખેડૂતોએ સહન કરવાનો આવ્યો છે. દ્વારકા જિલ્લામાં સૌથી વધારે મગફળી પાકનું વાવેતર છે. અહીં ખેડૂતોની મગફળી ખેતરમાં પાથરા સ્વરૂૂપે કે ભર સ્વરૂૂપે રાખવામાં આવી હતી, ત્યારે જ કમોસમી વરસાદ ખાબક્યો અને ખેડૂતોને પારાવાર નુકશાન થયું છે. ત્યારે આ નુકશાનની સમીક્ષા કર્યા બાદ સરકારના મંત્રીઓ, ભાજપના ધારાસભ્યો, વિગેરેએ સ્થળ મુલાકાત બાદ જાહેર માધ્યમોની સામે સ્વીકાર્યું પણ છે કે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે. તેમ છતાં સરકાર સરવે કરવાના નાટકો કરી રહી હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.
ખંભાળિયામાં ગત સાંજે યોજાયેલા આ કાર્યક્રમમાં કિસાન નેતા પાલભાઈ આંબલીયાએ જણાવ્યું હતું કે જ્યારે કૃષિમંત્રી ખુદ સ્થળ મુલાકાત કરીને કહેતા હોય કે 1.5 થી 15 ઈંચ જેટલો સાર્વત્રિક વરસાદ થયો છે, તો પછી સરકારે સરવેના નાટક બંધ કરી, ખેડૂતોનું દેવું માફ કરી દેવું જોઈએ. પરંતુ સરકાર જાણે ખેડૂતોને કંઈ જ આપવા માંગતી ન હોય તેવી રીતે સર્વેના આદેશ કર્યા છે ત્યારે તેના વિરોધમાં ખંભાળિયામાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારની ખેડૂતો માટે આત્મા જ મરી ગઈ છે તો તો સરકારની મરેલી આત્મામાં જ્યોત પ્રજ્વલિત કરવા માટે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ અત્રે બાબા સાહેબ આંબેડકરજીના બાવલા પાસે સરકારની મરેલી આત્માને શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
જેમાં ખેડૂતોએ માથે ઓઢી મરણ પોક મૂકી સરકારને શ્રદ્ધાંજલી આપી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લાભરના ખેડૂતો મોટી સંખ્યમાં ઉપસ્થિત રહ્યા હતા.