તળાજાના બે ગામોના ખેડૂતોનો નિર્ણય: સરકારની નજીવી સહાય નહીં લીધેલી કૃષિલોન જ માફ કરો
નુતનવર્ષના ચાર દિવસ સારા ગયા બાદ તળાજા પંથકમાં અવિરત પણે ચાર દિવસ થી વરસી રહેલા વરસાદ એ તમામ ખેત જણસી મા તારાજી સર્જી દીધી છે. માત્ર ઉભેલી મૌલાત જ નહીં ખેતી ની જમીન પણ ધોવાઈ ગઈ છે તેવા સંજોગોમાં ખેડૂતોની લાગણી સરકાર વધુમાં વધુ આર્થિક સહાય આપે તેવી વધી રહી છેને સરકાર પ્રત્યે સર્વેની બાબતે ક્યાંકને ક્યાંક છૂપો રોષ પણ ફેલાઈ રહ્યો છે તેની પ્રતીતિ તાલુકાના નવી અને જૂની કામરોળ ગામના ખેડૂતો ની ભરાયેલ મિટિંગ મા જોવા મળી હતી.અહીં ખેડૂતો એ મહાદેવ ના સાનિધ્યમાં ભરેલ બેઠક મા સરકાર ની નજીવી સહાય ની જરૂૂર જ નથી,ખેડૂતો ની કૃષિલોન જ માફ કરવા આવે તેવી મજુબત રીતે રજુઆત કરવા માટે નો નિણર્ય લેવામાં આવ્યો હતો.
તળાજા તાલુકાના નવી કામળોલ ગામે કામનાથ મહાદેવ મંદિર આશ્રમ ખાતે નવી, જૂની કામળોલ ગામના ખેડૂતોની મિટિંગ મળી હતી. જેમાં અતિવૃષ્ટિના કારણે કપાસ, મગફળી સહિત અન્ય પાકોમાં થયેલ 100 ટકા નુકશાની અંગે ચર્ચા કરી સરકાર સમક્ષ નુકશાનીના સામાન્ય વળતરના બદલે કૃષિ લોન માફ કરે તેવી રજૂઆત કરવા તમામ ખેડૂતો એ નિણર્ય લીધો હતો.
આ મિટિંગમાં ખેડૂત અગ્રણી જગુભા અભેસિંહ , ઓમદેવસિહ ગોવુભા, સરપંચ અશોકસિંહ સહિત આગેવાન ખેડૂતોએ એક સૂરમાં જણાવ્યું હતું કે ખેતરમાં મગફળીના પડેલા પાથરા વરસાદના પાણીમાં તણાઈ જવા સહિત પાણીના કારણે મગફળી અને ચારોલુ તદ્દન નિષ્ફળ ગયું છે. કપાસના ડોડવામાં રહેલું રૂૂ અને ડોડવા પણ નિષ્ફળ થઈ ગયા છે.તેમજ અન્ય પાકમાં ખેડૂતોને સો ટકા નુકશાન થયું છે. સરકારે સર્વ કર્યા બાદ આ નુકશાન ખેડૂતોને સરકારી નજીવી સહાયથી ભરપાઈ થઈ શકે તેમ નથી માટે ખેડૂતો એ લીધેલી કૃષિ લોન માફ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. અને આ અંગે સરકારમાં મજબૂત રજૂઆત કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
