વળતર અને પ્લોટની માગણી સાથે ગાંધીનગર કલેકટર કચેરીમાં 7 ગામના ખેડૂતોનો હંગામો
ગાંધીનગર શહેરમાં વસાહત માટે જમીન ગુમાવનાર 7 ગામોના ખેડૂતો અને સ્થાનિકોએ આજે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. યોગ્ય વળતર અને રહેણાંકની માંગણીઓને લઈને મોટી સંખ્યામાં એકઠા થયેલા સ્થાનિકોએ સૂત્રોચ્ચાર અને બેનરો સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
વિરોધ કરી રહેલા આ સ્થાનિકોમાં ધોળાકુવા, ઈન્દ્રોડા, બોરીજ અને ફતેપુરા સહિત કુલ સાત ગામોના ખેડૂતો અને રહેવાસીઓનો સમાવેશ થાય છે.ગાંધીનગરના વસવાટ માટે જે જમીનો લેવામાં આવી છે, તેના બદલામાં ખેડૂતોને યોગ્ય અને પૂરતું વળતર આપવામાં આવે.જમીન ગુમાવનારા સ્થાનિકોને રહેવા માટે પ્લોટ ફાળવવામાં આવે.
હયાત વધારાના બાંધકામને કાયદેસર કરીને તેને મંજૂરી આપવામાં આવે.સ્થાનિકોએ કલેક્ટર કચેરીમાં બેનરો પ્રદર્શિત કરીને પોતાની માંગણીઓ તાત્કાલિક સ્વીકારવામાં આવે તેવી રજૂઆત કરી હતી.
ખેડૂતો અને સ્થાનિકોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની આ વાજબી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો તેઓ આગામી સમયમાં ઉપવાસ આંદોલન શરૂૂ કરવા માટે મજબૂર થશે. સરકાર દ્વારા આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને આ 7 ગામના અસરગ્રસ્તોને ન્યાય આપવામાં આવે તેવી માગણી પ્રબળ બની છે.