ખેડૂતોના ખાતરનું બારોબાર વેચાણ, 904માંથી 54 કેન્દ્રો પર બિલ જ ન હતા, 138ના સ્ટોકમાં ગોટાળા
રાજ્યમાં સબસિડીવાળા ખાતરમાં થયેલા ગોટાળા મુદ્દે મોટો ખુલાસો થયો છે વડાલીની મહેતા મોટર્સ દ્વારા સબસિડીવાળું ખાતર બારોબર વેચી માર્યું હોવાની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
રાજ્યમાં સબસિડીવાળા ખાતરની અછત સર્જાયા બાદ ખેડૂતોને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો અને ત્યારે તપાસમાં જણાયું હતું કે ઘણા વેપારીઓએ ખાતરના કાળા બજાર કર્યા છે અને સબસિડીવાળા ખાતરનો જથ્થો બારોબાર વેચી મારીને રોકડી કરી લીધી છે અને તેના કારણે સરકારના ખેતી વિભાગ દ્વારા રાજ્યના અલગ અલગ સ્થળો પર દરોડા પણ પાડવામાં આવ્યા હતા.
ખેતી નિયામક કચેરીએ દરોડાની કરેલી કાર્યવાહી બાદ 214 કેન્દ્રના સંચાલકોને શો કોઝ નોટિસ અપાઇ હતી. તપાસમાં જણાયું કે 54 કેન્દ્ર પર તો ખાતરના વેચાણના બિલ જ ન હતા અથવા ખોટા બનેલા હતા. જ્યારે 138 કેન્દ્ર પર સ્ટોક પત્રકમાં ગરબડી સામે આવી હતી.
તપાસમાં 117 કેન્દ્ર પર પત્રક અને ઙઘજ મશીનનો સ્ટોક મેચ પણ થયો ન હતો અને 119 કેન્દ્ર પર રજીસ્ટરમાં દર્શાવેલી ખાતરની થેલીઓ જ ગાયબ થયેલી જણાઇ હતી. તપાસ ટીમને 101 સંચાલકોએ તો ગોડાઉનના સ્થળની માહિતી જ આપી ન હતી અને તેમના ગોડાઉનો ક્યાં આવેલા છે તેની જાણ પણ સરકારને કરી ન હતી. અત્યાર સુધી 18 જિલ્લાના કુલ 904 કેન્દ્રોની તપાસ પૂર્ણ કરાઇ હોવાનું બહાર આવ્યું છે.