ખેડૂતની માઠી, પલળી ગયેલી મગફળી સુકવવા મૂકી, આગ લાગતા 700 મણ ખાખ
માળિયા હાટીના તાલુકાનાં ગોતાણા ગામની ઘટના
માળીયાહાટીના તાલુકાના ગોતાણા ગામમાં ખેડૂત દ્વારા ખેતરમાં સૂકવવા માટે રાખેલી મગફળીના ઢગલામાં આગ લાગતા 700 મણ મગફળીને બળીને ખાખ થઈ ગયાનું સામે આવ્યું છે. વીજતારમાં સ્પાર્ક થવાના કારણે આગ લાગ્યાની આશંકા છે. આ મામલે વીજકંપની દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ કમોસમી વરસાદમાં નુકસાનીનો સામનો કરનાર ખેડૂતની તૈયાર મગફળી સળગી જતા આફત આવી પડી છે.
ગોતાણા ગામના ખેડૂત જગદીશભાઈ યાદવ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, તેમણે પોતાના 55 વીઘાના ખેતરમાં મગફળીનું વાવેતર કર્યું હતું. થોડા સમય પહેલા કમોસમી વરસાદ પડતાં ઘણી મગફળી પલળી ગઈ હતી. વરસાદથી બચાવેલી 100 મણ જેટલી મગફળી ગોડાઉનમાં રાખી હતી, પરંતુ બાકીની 700 મણ જેટલી ભીની મગફળીને સૂકવવા માટે તેમણે ખેતરમાં ખુલ્લામાં રાખી હતી.
ખેડૂત જગદીશભાઈ યાદવે શંકા વ્યક્ત કરી કે, ખેતર નજીકથી પસાર થતી 11 કે.વી વીજ લાઈનમાં સ્પાર્ક થતાંમગફળીના પાંદડા (પાલો)ના ઢગલા પર આ સ્પાર્ક પડ્યો હશે. તેના કારણે આગ લાગી હોવી જોઈએ.આગ લાગી ત્યારે ખેતરમાં ભાગ રાખનાર માણસે જગદીશભાઈને કોલ કરીને જાણ કરી હતી. જોકે, તેઓ ખેતરે પહોંચે તે પહેલા જ સૂકવવા રાખેલી 700 મણ મગફળીનો ઢગલો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો, જેના કારણે તેમને મોટું નુકસાન થયું છે.