મગફળીની ખરીદીમાં ખેડૂતો સાથે કડદો, ખેડૂત ઉપર હુમલો
ગોંડલ પોલીસ ફરિયાદ નહીં લેતી હોવાનો આપના જીગીશા પટેલની પોલીસ વડાને રજૂઆત
ગોંડલ તાલુકાના બીલીયાળામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ગોલમાલ થતી હોવાનો ખેડૂતે આક્ષેપ કર્યો છે. બારદાનમાં 35 કિલો 800 ગ્રામના બદલે ખેડૂત પાસેથી 36 કિલો 200 મગફળી લેવાતી હોવાનો દાવો કરાયો છે. ગોંડલમાં મગફળી ખરીદીમાં ખેડૂતો સાથે કડદો થતો હોવાનો આપના નેતા જીગીશા પટેલે આક્ષેપ કરી આજે જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરને રજૂઆત કરી હતી જેમાં ગણેશ જાડેજાના ઈશારે ખેડૂતોને ધમકી અપાતી હોવાનો આક્ષેપ કરી આ મામલે ગોંડલ પોલીસ દ્વારા ફરિયાદ લેતી નહી હોવાની રજૂઆત કરી હતી.
ખેડૂત વિમલ સોરઠીયાએ જણાવ્યું હતુ કે બીલીયાળા મગફળી કેન્દ્રમાં મગફળી જોખાતી હતી. જ્યાં 35 કિલો અને 800 ગ્રામના બદલે 36 કિલો અને 200 ગ્રામ મગફળી જોખવામાં આવતી હતી. જે બાબતે તેણે મોબાઈલમાં વીડિયો શુટીંગ ચાલુ કરતા ત્યાં સાતથી આઠ લોકો આવી ઝગડો કરી વિમલને માર મારવામાં આવ્યો હતો. વિમલ સોરઠિયાએ વધુ માં આક્ષેપ કરતા જણાવ્યું કે, તેને કહેવામાં આવ્યું કે અહીં પગણેશ રાજ અને લાલાનું રાજ છે, જેથી અહીં પરમિશન વગર અવાય નહીં.તેમજ વિમલને રાજકુમાર જાટ જેવા હાલ થશે તેવી ધમકી આપવામાં આવી હતી. આ બનાવમાં લાલો, હરદેવ મયાત્રા, નાગરાજ સહિતના લોકો હોય તે ગણેશના માણસો હતા.જે મામલે પોલીસ ફરિયાદ માટે પોલીસ સ્ટેશન ગયેલા વિમલની ફરિયાદ નહી લીધી હોવાનો આક્ષેપ આપના જીગીશા પટેલ અને વિમલ સોરઠીયાએ જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરને રજુઆત કરી હતી.
આપના આગેવાન જિગીશા પટેલે જણાવ્યું હતું કે, સરકારના નિયમ મુજબ મગફળી ખરીદી કરવામાં ન આવતા તેઓને અંદાજે રૂૂપિયા 8 કરોડનું નુકસાન જઈ રહ્યું છે. ખેડૂત વિમલ સોરઠિયાનો તેમને ફોન આવ્યો કે, મારા કાકાની મગફળી હતી જેની ખરીદીમાં ગોટાળો કરવામાં આવી રહ્યો છે જેથી હું ત્યાં ગઈ હતી. અમે ત્યાં પહોંચ્યા ત્યારે ખેડૂત વિમલભાઈ હતા તેમનું અપહરણ કરવામાં આવ્યું અને મોબાઈલ ઝૂંટવી માર મારવામાં આવ્યો હતો તેમજ વિમલભાઈના શર્ટ પરના બૂટના નિશાન ભૂસવામાં આવ્યા. માર મારવાને કારણે ખેડૂતને માથા પર સોજો આવી ગયો હતો. આ મામલે તપાસ કરવા પોલીસ વડા સમક્ષ માંગ કરવામાં આવી છે.
જીગીશા પટેલના ચૂંચૂપાતના વિરોધમાં 4 મગફળી કેન્દ્રો બંધ
ગોંડલમાં જીગીશા પટેલ સામે ધમાસાણ સર્જાયું હતું. ગોંડલ તાલુકામાં નિયમ વિરુદ્ધ મગફળીની ખરીદી થતી હોવાનો જિગીષા પટેલનો આક્ષેપ કરતા તેના વિરોધ માં આજનો દિવસ ટેકાના ભાવે મગફળી ખરીદીના 4 કેન્દ્ર બંધ રહ્યા હતા અને ખેડૂતોએ જો જીગીશા પટેલ હવે દખલગીરી કરાશે તો મગફળી ખરીદીના કેન્દ્ર સજ્જડ બંધ કરાશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. મંડળીના આગેવાનોએ કહ્યું કે, જીગીશા પટેલને જે તકલીફ હોઈ લેખિતમાં આપે અમે લેખિતમાં જવાબ આપીશુ. જીગીશા પટેલે જણાવ્યું કે, પહેલા ખેડૂતોને ધમકાવવામાં આવ્યા કે જિગીશાબેન આવે તો તેનો કોઈ સપોર્ટ કરવાનો નથી અને જો કોઈ સપોર્ટ કરશે તો તેની મગફળી સ્વીકારવામાં નહીં આવે. જે બાદ મારો ત્યાં વિરોધ કરાવવામાં આવ્યો હતો.