સુરેન્દ્રનગર બેઠક પર ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપશે ખેડૂત સંગઠનો
- અપક્ષ ઉમેદવાર તરીકે જે.કે. પટેલના નામની જાહેરાત
સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર દર ચૂંટણીમાં મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે ટક્કર હોય છે. પણ આ વખતની લોકસભા ચૂંટણીમાં સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ત્રી-પાખીયો જંગ થશે. સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ખેડૂત સંગઠન પોતાનો અપક્ષ ઉમેદવાર ઉભો રાખશે, જે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને ટક્કર આપશે.સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂત સંગઠનોની સહમતીથી ખેડૂત આગેવાન જે.કે.પટેલ સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર અપક્ષ ચૂંટણી લડશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતને ખેડૂત સંગઠનોએ ટેકો જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કર્યા નથી, એવામાં આ બંનેને ટક્કર આપનાર અપક્ષ ઉમેદવાર જે.કે.પટેલના નામની જાહેરાત થતા જિલ્લાનું રાજકારણ ગરમાયુ છે.
પાક વીમો, ભૂલ ભરેલી જમીન માપણી, વીજ પોલના વળતર, સિંચાઈનું પાણી, ખેત પેદાશના પૂરતા ભાવ ન મળતા, કેનાલના પ્રશ્ન વગેરે પ્રશ્નનો નિવેડો ન આવતા ખેડૂતો સરકારથી નારાજ છે. ભાજપની સરકાર છે પણ સરકાર ખેડૂતોનું સાંભળતી નથી, કોંગ્રેસ પાર્ટી સરકારથી જોજનો દૂર છે. આથી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂત સંગઠનોએ ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા માટે પોતાનો ખેડૂત ઉમેદવાર ઉભો રાખ્યો છે.