દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિનો વિધિવત ચાર્જ સંભાળતા ખેડૂત નેતા પાલભાઈ આંબલિયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટી સુષુપ્ત અવસ્થામાં હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે તાજેતરમાં કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે લડાયક નેતા અને ખેડૂત આગેવાન પાલભાઈ આંબલીયાને જવાબદારી સોંપી છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે પાલભાઈ આંબલીયાએ ગુરુવારે જિલ્લાના વિશાળ એવા સાની ડેમના કાંઠે મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેમની જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી હતી.
પ્રમુખ તરીકે ચાર્જ લેતા પાલભાઈ આંબલિયાએ કહ્યું હતું કે સાની ડેમનું પાણી આવતા ચોમાસે દરિયામાં જતું અટકાવવા મારે દશ કાર્યક્રમો કરવા પડે તો કરીશ પણ આવતા ચોમાસા પહેલા સાની ડેમ સરકાર પાસે રીપેર કરાવવો જ છે. જો ફેબ્રુઆરી 2026 સુધીમાં આ ડેમ રીપેર ન થાય તો સાની ડેમમાં જ્યાં પાણી હોય ત્યાં પાણીમાં ઉભા રહી જઈ "જલ સત્યાગ્રહ" કરવાની જરૂર પડશે તો એ પણ કરીશું. આ ઉપરાંત તેમણે કહ્યું કે દ્વારકા જિલ્લામાં જે રીતે ખાનગી કંપનીઓનો ત્રાસ છે તેની સામે અમે ટિમ બનાવીને સતત લડત કરતા રહીશું. જિલ્લામાં 4 મોટી કંપનીઓ છે, તેમાં સ્થાનિક રોજગારીના કાયદાનો અમલ થતો નથી. આગામી દિવસોમાં "અમારા વિસ્તારમાં કંપની રાખવી છે તો અમને રોજગાર આપો" ના નારા સાથે લડત કરવી પડશે તો પણ કરીશું. તેમણે વીજ ઉત્પાદક અને વીજ વહન કરતી કંપનીઓ પર પણ આકરા પ્રહાર કર્યા હતા.
સેવાદલના રાષ્ટ્રીય પ્રમુખ લાલજીભાઈ દેસાઈએ સંગઠનને મજબૂત કરવા પર અને 2027 માં પાલભાઈને વિધાનસભામાં મોકલો તેવો ગર્ભિત ઈશારો પણ પોતાના વક્તવ્યમાં કર્યો હતો.
આ પ્રસંગે માજી સાંસદ વિક્રમભાઈ માડમે દેવભૂમી દ્વારકા જિલ્લામાં હવે ચૂંટણી નહિ લડવાની જાહેરાત કરતા કાર્યકર્તાઓ અને આગેવાનોને પરિવારની ભાવના સાથે કામ કરી આવતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની જીત થાય એ માટે સૌએ સહિયારો પ્રયાસ કરવા કહ્યું હતું.
જીવણભાઈ કુંભારવાડીયાએ તમામ આગેવાનો અને ખેડૂતોને સંબોધન કરતા કહ્યું હતું કે તમને લડાયક યોદ્ધા મળ્યો છે. એની હાકલ પર જો તમ હાજર થશો તો આવનાર ભવિષ્ય ખૂબ જ સારું છે.આ પદગ્રહણ કાર્યક્રમમાં કેટલીક બાબતો ઉડીને આંખે વળગે તેવી બની રહી હતી. જેમાં સાની ડેમના કાંઠે "પદ ગ્રહણ" કાર્યક્રમ યોજીને પાલ આંબલિયા એ દ્વારકા જિલ્લાના જીવાદોરી સમાન સાની ડેમના કામમાં સરકારની ગોકળગાય ગતિએ ચાલતી કામગીરી આખા ગુજરાત સમક્ષ મૂકી. આ રીતે પદ ગ્રહણ કાર્યક્રમ કરવો એ પોતાની રીતે જ અનોખો કાર્યક્રમ રહ્યો હતો.
ઉપરાંત કાર્યક્રમના આગલા દિવસે પાલભાઈ આંબલીયા પોતે જે કાર્યકરો પક્ષના ઝંડા-ઝંડીઓ લગાવતા હતા, તેઓની સાથે બેસીને કામ કરતા અને નાના-નાના યુવાન કાર્યકરોનો ઉત્સાહ વધારતા નજરે જોવા મળ્યા હતા. મહત્વની બાબતો એ છે કે જેનો પોતાનો પદ ગ્રહણ સમારોહ હોય અને એ માણસ પોતે નીચે કાર્યકરો વચ્ચે બેસે ને બીજા આગેવાનોને સ્ટેજ શોભાવવાનો મોકો આપે આવું તો પહેલી વખત જોવા મળ્યું હતું. પાલભાઈને નીચે કાર્યકરોની વચ્ચે જોઈને કેટલાય આગેવાનો પણ સ્ટેજ છોડીને નીચે કાર્યકરો વચ્ચે આવી ગયા હોય તેવું પણ દેખાયું હતું. જ્યારે નેતાઓનું સન્માન કરવાનું થયું તો પહેલી વખત ઉલટા ક્રમમાં સન્માન જોવા મળ્યું નાના આગેવાનો પહેલા અને કદાવર નેતાઓને સૌથી છેલ્લે સન્માન કરવામાં આવ્યું હતું. નેતાઓને માત્ર ફુલહાર દ્વારા સન્માન અને તેની જગ્યા એ જે કામ કરતા હતા તેવા કાર્યકરોને નેતાઓ પોતે સાલ ઓઢાડીને સન્માન કરે તેવું પાલભાઈ આંબલિયાનું આ આયોજન બધાનું દિલ જીતનાર બની રહ્યું હતું.
આ પદગ્રહણ સમારોહમાં સેવાદલના રાષ્ટ્રીય પ્રમુખ લાલજીભાઈ દેસાઈ, પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, જીવણભાઈ કુંભારવાડીયા, ભીખુભાઈ વારોતરિયા, ડો. રણમલભાઈ વારોતરિયા, જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજ કથીરિયા, જામનગર શહેર પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ જોશી, પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ મારુ, પોરબંદર જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાજુભાઈ ઓડેદરા, ભાણવડ તાલુકા પંચાયત પ્રમુખ મુકેશભાઈ વાવણોટિયા, સલાયા નગરપાલિકા પ્રમુખ ઈરફાન ભાયા સહિતના મુખ્ય મહેમાનો સહિત જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ હોદેદારો, જિલ્લા અને તાલુકા પંચાયત તથા નગરપાલિકાઓમાં ચૂંટાયેલા સદસ્યો સહિત આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.