બળદગાડુ તણાતા ખેડૂતનું અને વીજળી પડતા બે યુવાનના મોત
થાનનાં સરોડી અને ધારીના બોરડી ગામે વીજળીએ બે યુવકનો ભોગ લીધો, સાવરકુંડલાના જાંબાળમાં ખેડૂત ગાડા સાથે તણાયો
ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગઇકાલે પડેલા ભારે વરસાદે એક ખેડૂત અને બે યુવાનનો ભોગ લીધો હતો. થાનનાં શરોડી ગામે ખેતરમાં કામ કરતા યુવાન ઉપર વિજડી પડતા તેનુ મોત નીપજ્યુ હતુ તેમજ ધારીના બોરડી ગામે વિજડીએ યુવાનનો ભોગ લીધો હતો જયારે સાવરકુંડલાના જાબાળ ગામે ખેતરેથી ઘરે પરત ફરતા બળદગાડુ નદીના પ્રવાહમાં તણાઇ જતા પિતાનુ મોત નીપજ્યુ હતુ જયારે પુત્રનો આબાદ બચાવ થયો હતો.
ગઇકાલે વરસેલા ભારે વરસાદે બે યુવક અને એક ખેડૂતનો ભોગ લીધો હતો. જેમાં સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે વાતાવરણમાં શનિવારે મોડીસાંજે પલટો આવ્યો હતો. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ પવન તેમજ ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું હતું. ત્યારે થાન તાલુકાના સરોડી ગામની સીમમાં વિજળી પડતા એક યુવકનું મોત નીપજ્યું હતું.
થાન તાલુકામાં શનિવારે મોડીસાંજે વાતાવરણમાં પલટા બાદ પવન અને ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું હતું જેમાં વિજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ ખાબકતા થાનના સરોડી ગામની સીમમાં વિજળી પડતા યુવક અરવિંદભાઈ કરશનભાઈ રોજાસરાનું મોત નીપજ્યું હતું જ્યારે આ બનાવથી યુવકના પરિવારજનો સહિત સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો અને યુવકના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ગામના સરપંચ સહિત આગેવાનો અને પરિવારજનો ઉમટી પડયા હતા.
ધારી તાલુકાના બોરડી ગામે સીમાં ખેત મજૂરી કરતા મુળ દાહોદના ચેતનભાઇ લાશણ નામના 32 વર્ષના શ્રમિક ઉપર આકાશી વિજળી પડતા તેનુ ઘટના સ્થળે મોત નીપજ્યુ હતુ. તેમજ સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામમાં ખોરાળીના રસ્તે પ્રથમ વરસાદમાં પાણી ભરાતા એક દુ:ખદ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બે વ્યક્તિઓ, બાપ-દીકરો, બળદગાડા સાથે ખેતરેથી ઘરે પરત ફરતા હતા ત્યારે ગાડું અને બળદ તણાઈ ગયા હતા. આ અકસ્માતમાં લાલજીભાઈ હરજીભાઈ બરવાળીયા (ઉંમર: 75 વર્ષ)નું ઘટનાસ્થળે જ દુ:ખદ મૃત્યુ થયું હતું. તેમના પુત્ર મુકેશભાઈ લાલજીભાઈ બરવાળીયા (ઉંમર: 40 વર્ષ) આ અકસ્માતમાં જીવિત રહ્યા હતા. દુર્ભાગ્યે, આ ઘટનામાં બળદનું પણ મૃત્યુ થયું હતું. આ દુ:ખદ ઘટનાથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.