કેશોદના મોવાણા ગામમાં ખેતરમાં કામ સમયે વીજશોકથી ખેડૂતનું મોત
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મોવાણા ગામે ખેતરમાં કામ કરતા સમયે વીજ કરંટ લાગતા એક ખેડૂતનું મોત થયું છે. ખેડૂત પરિવારજનોએ આ ઘટના માટે PGVCL ની બેદરકારીને જવાબદાર ઠેરવી કડક કાર્યવાહી અને આર્થિક મદદની માગ કરી છે.
મોવાણા ગામના રતિલાલ દેવજીભાઈ હદવાણી (ઉ.વ. 61) પોતાની વાડીએ હાજર હતા. ત્યારે તેમનો પગ લપસી જવાથી તેઓ ઝટકા મશીનના તારને અડી ગયા હતા જેથી તેમને વીજ કરંટ લાગ્યો હતો. આ ઘટનાની જાણ થતાં પરિવારના સભ્યો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા.
મૃતકના ભત્રીજા જીતેન્દ્ર હદવાણીએ જણાવ્યું હતું કે, જ્યારે આ ઘટના બની ત્યારે ઝટકા મશીન બંધ હાલતમાં હતું. વાડી ઉપરથી પસાર થતો યમુના ફીડરનો 11 ઊંટનો ચાલુ વીજ તાર તૂટીને ઝટકા મશીનના તાર પર પડ્યો હતો. જેના કારણે આ કરૂૂણ અકસ્માત સર્જાયો હતો.
ઘટના બાદ ઇજાગ્રસ્ત રતિલાલને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. નાના ખાતેદાર ખેડૂત એવા રતિલાલના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પરિવારજનોએ આ અકસ્માત માટે PGVCL ની બેદરકારીને જવાબદાર ગણાવી છે અને તંત્ર વિરૂૂદ્ધ કાર્યવાહી કરવા તેમજ પીડિત પરિવારને આર્થિક સહાય મળે તેવી માગ કરી છે.