ગૃહકલેશથી પરિવારનો માળો પિંખાયો: પરિણીતાનો આપઘાત
ચોટીલાના મેવાસા ગામની ઘટના; ઝેર પી લેનાર મહિલાએ સારવારમાં દમ તોડયો
ચોટીલા તાલુકાના નવાગામ આણંદપરમાં રહેતી પરિણીતાએ ગૃહકલેશથી કંટાળી મેવાસા ગામે ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને સારવારમાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ચોટીલા તાલુકાના નવા ગામ આણંદપર ખાતે રહેતા સોમીબેન વિઠ્ઠલભાઈ સાકરીયા નામની 40 વર્ષની પરિણીતા ગત તા.28નાં રોજ મેવાસા ગામે જગાભાઈની વાડીએ હતી ત્યારે ઝેરીદવા પી લીધી હતી.
પરિણીતાને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ પરિણીતાએ ટૂકી સારવાર દરમિયાન હોસ્પિટલના બીછાને દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી હતી.
પ્રાથમિક પુછપરછમાં મૃતક સોમીબેનને સંતાનમાં બે પુત્ર છે અને સોમીબેને ગૃહકલેશથી કંટાળી ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ચોટીલા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.