મોરબીમાં ગૃહકલેશથી પરિવારનો માળો પિંખાયો : નવોઢાનો આપઘાત
મોરબીમાં આવેલ વિસીપરા વિસ્તારમાં રહેતા શ્રમિક સગીરાએ પતિ સાથે ઝઘડો થતાં પતિને ફડાકા ઝીંકી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. શ્રમિક નવોઢાના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મોરબીમાં આવેલા વિસીપરા વિસ્તારમાં રહેતી રોશનીબેન રામુભાઈ મેડા નામની 17 વર્ષની નવોઢા રાત્રીનાં દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે લાકડાના આડીમાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. નવોઢાને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
પ્રાથમિક પુછપરછમાં મૃતક રોશનીબેન મેડા મુળ મધ્યપ્રદેશની વતની છે અને તેણીના બે મહિના પહેલા જ લગ્ન થયા છે. પતિ સાથે ઝઘડો થતાં રોશનીબેને પતિ રામુ મેડાને ફડાકા ઝીંકી રૂમમાં ઘુસી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.