સૌરાષ્ટ્રથી સુરત જતા પરિવારની કારમાં આગ ભભૂકી : તમામનો બચાવ
વડોદરા નજીક મહીસાગર પરના બ્રિજ પર મોડી રાત્રે બનેલી ઘટના : બનાવને પગલે ટ્રાફિક જામ
વડોદરા નજીક મહીસાગર પરના બ્રિજ ઉપર ગઈ મોડી સાંજે એક કાર આગમાં લપેટાતા સુરતના પરિવારનો બચાવ થયો હતો. સિંધરોટ નજીક ઉમેટા બ્રિજ પાસે બનેલા બનાવની વિગત એવી છે કે સુરતના એક પરિવારના પાંચ સભ્યો સૌરાષ્ટ્રથી પરત ફરી રહ્યા હતા ત્યારે એન્જિનના ભાગેથી ધુમાડા નીકળતા કોઈ વાહન ચાલકનું ધ્યાન ગયું હતું અને તેણે કાર ચાલકને જાણ કરી હતી.
કારચાલક સતકે થઈ ગયા હતા અને તરત જ બાજુમાં કાર પાર્ક કરી પરિવાર સહિત નીચે ઉતરી ગયા હતા તેમજ સામાન પણ બહાર કાઢી લીધો હતો. ત્યારબાદ તરત જ આગ ભડકી ઉઠી હતી અને જોત જોતામાં આખી કાર આગમાં સળગવા માંડી હતી.
બનાવને પગલે બ્રિજ તરફ જતો આવતો ટ્રાફિક બંધ કરી દેવાતા વાહનોની લાંબી કતાર જામી હતી. વાસણા રોડ ફાયર બિગેડની ટીમ દ્વારા આગ કાબુમાં લેવામાં આવી હતી. લગભગ એક કલાક બાદ વાહન વ્યવહાર રાબેતા મુજબનો થયો હતો.
