ફરજ દરમિયાન મૃત્યુ પામેલા શિક્ષકોના પરિવારને મળશે 4 થી 14 લાખની સહાય
ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘની પાંચ વર્ષની લડત સફળ થઈ છે. મહાનગરપાલિકા અને નગરપાલિકા સમિતિઓના શિક્ષકોને લગતો 14 વર્ષ જૂનો પ્રશ્ન હવે ઉકેલાયો છે. રાજ્ય સરકારના ચાર વિભાગોના પરામર્શ બાદ નવો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ, શહેરી વિકાસ વિભાગ, સામાન્ય વહીવટ વિભાગ અને નાણાં વિભાગની મંજૂરી મળ્યા બાદ ફાઇલ નંબર 2200 પર આ ઠરાવ મંજૂર થયો છે.
નવા ઠરાવ મુજબ, નોકરી દરમિયાન અવસાન પામેલા શિક્ષકોના આશ્રિતોને સમયગાળા પ્રમાણે સહાય મળશે. 2011થી 2016 સુધીના કેસોમાં 4 લાખ રૂૂપિયા, 2016થી 2022 સુધીના કેસોમાં 8 લાખ રૂૂપિયા અને 2022 પછીના કેસોમાં 14 લાખ રૂૂપિયાની સહાય આપવામાં આવશે.
આ સહાયની રકમમાં 80 ટકા ગ્રાન્ટ રાજ્ય સરકાર આપશે, જ્યારે 20 ટકા ગ્રાન્ટ મહાનગરપાલિકા આપશે. શિક્ષક સંઘે આ નિર્ણય માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોર અને પ્રફુલભાઈ પાનસેરીયા સહિત તમામ વિભાગોના સચિવો અને સ્ટાફનો આભાર માન્યો છે.