અમદાવાદ પ્લેન ક્રેશના 60 પીડિત પરિવારો અમેરિકામાં કરશે કેસ
એવિએશન કંપની બોઇંગ સામે નિષ્ણાંત વકીલને રોકાયા, ફલાઇટનો ડેટા માંગ્યો
અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનાના 60 પીડિત પરિવારોએ બોઇંગ કંપની સામે બાંયો ચડાવી છે. આ પરિવારોએ ભેગા થઇને દુર્ઘટનાગ્રસ્ત વિમાન બનાવનાર બોઇંગ સામે અમેરિકાની કોર્ટમાં કેસ કરવાનો નિર્ણય લીધો છે. આ માટે તેમણે અમેરિકાના નિષ્ણાત વકીલ માઇક એન્ડ્રુઝને રોકી પણ લીધા છે. આ પરિવારોએ દુર્ઘટનાની તપાસ સામે સવાલ ઉઠાવ્યો છે. પીડિત પરિવારોની માંગ છે કે કોકપિટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડરનો રો ડેટા તેમને આપવામાં આવે જેથી તેઓ સ્વતંત્ર રીતે તપાસ કરાવી શકે.
પીડિત પરિવારોએ કેસ લડવા માટે જે અમેરિકન વકીલ માઇક એન્ડ્રુઝને રોક્યા છે તે ગંભીર ઇજા અને અકુદરતી મૃત્યુના કેસ લડવામાં નિષ્ણાત છે અને ખામીયુક્ત એરક્રાફ્ટ, ટ્રક અને કાર બનાવનારી કંપની સામે કેસ લડી ચૂક્યા છે. જેમાં ફોર્ડ અને વેક્સવેગન કંપની વિરૂૂદ્ધના કેસો પણ સામેલ છે.
પીડિત પરિવારો પૈકીનાં તૃપ્તિ સોનીએ કહ્યું કે, અમે બધાએ ભેગા થઇને આ લો ફર્મ સાથે કામ કરવા માટે સાઇન અપ કર્યું છે. પ્લેન ક્રેશ દુર્ઘટનાની તપાસમાં ઘણું અસ્ત વ્યસ્ત ચાલતું હોય તેમ લાગે છે. જે રિપોર્ટ રિલીઝ કર્યો છે એ જવાબ આપવાના બદલે પ્રશ્નો વધારે ઊભા કરે છે. ઉપરાંત એમણે બહુ જ સિલેક્ટિવ વસ્તુ રિલીઝ કરી છે. એનાથી તપાસને અસર થવાની શક્યતા વધુ લાગે છે. તેમાં એર ઇન્ડિયા અને બોઇંગ કંપનીનો ઘણો મોટો આર્થિક રસ છે. અમને ડર છે કે વિમાન દુર્ઘટનાની તટસ્થ તપાસ નહીં થાય.
તેમણે વધુમાં કહ્યું કે મારી વ્યક્તિગત માંગ એ છે કે પીડિત પરિવારને પણ કોકપિટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડરનો રો ડેટા તપાસ માટે આપવો જોઇએ.જેથી અમે સ્વતંત્ર રીતે ઇન્વેસ્ટિગેશન કરી શકીએ. કારણ કે રો ડેટાનું જે અર્થઘટન કરે છે તેમાં છેડછાડ થવાની શક્યતા રહેલી છે.
જો સરકાર પારદર્શકતા જ રાખતી હોય તો તેને આ ડેટા આપવામાં વાંધો ન હોવો જોઇએ. પીડિત પરિવારો પણ આ તપાસનો ભાગ હોવા જોઇએ. અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશના મૃતકોના પરિજનો તથા ઇજાગ્રસ્તોને મદદ કરવા ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટે 18 જુલાઈ, 2025ના રોજ 500 કરોડ રૂૂપિયાના કલ્યાણ ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. આ ટ્રસ્ટનું નામ અઈં-171 મેમોરિયલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ રાખવામાં આવ્યું છે અને તે મુંબઈમાં નોંધાયેલું છે ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટ બંનેએ આ ટ્રસ્ટમાં 250-250 કરોડનું યોગદાન આપશે. આ ફંડમાંથી મૃતકોના પરિવારોને 1 કરોડ રૂૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. તેમજ ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોની સારવાર કરવામાં આવશે.