પડધરી કોર્ટમાં ફલ્લાના પ્રૌઢાએ ફિનાઇલ ગટગટાવ્યું
પિતાની જમીનમાં દાવો કર્યા બાદ કરેલી વાંધા અરજી અદાલતે ફગાવી દેતા ભરેલું પગલું : સારવારમાં
પડધરી કોર્ટમાં ફલ્લા ગામના પ્રૌઢાએ ચાલુ કોર્ટે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. પ્રૌઢાને તાત્કાલીક સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રૌઢાએ પિતાની જમીનમાં ભાગ માટે દાવો કરેલ હતો. દરમિયાન વાંધા અરજી કરી હોય જે અદાલતે ફગાવી દેતા આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યુ છે.
જાણવા મળતી વિગત મુજબ જામનગર તાલુકાના ફલ્લા ગામે રહેતા પુરીબેન ઉર્ફે જયાબેન બાબુભાઇ ચાવડા (ઉ.વ.55) નામના પ્રૌઢા આજે સવારે પડધરી કોર્ટમાં ફિનાઇલ પી લેતા તેમને સારવાર માટે રાજકોટ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પડધરી પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં પ્રૌઢાને સંતાનમાં ત્રણ પુત્ર હોવાનુ અને પતિ નિવૃત્ત હોવાનુ જાણવા મળ્યુ છે. વધુ તપાસમાં પુરીબેને તેમના પિતા કરશનભાઇ મુળાભાઇની મેટોડામાં આવેલી 42 વિધા જમીનમાં ભાગ મળેવવા માટે વર્ષ 2022માં કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો.
દાવો ચાલુ હોવા છતા તેના પિતાએ વર્ષ 2025માં આ જમીન વેંચી નાખી હોય જેથી પુરીબેને વાંધા અરજી કરી હતી. દરમિયાન ગઇકાલે કોર્ટે ચૂકાદો આપતા પુરીબેનનો દાવો ફગાવી નાખ્યો હતો. જેથી આજે તેઓ કોર્ટમાં કાગળો લેવા ગયા હતા. ત્યારે કોર્ટની અંદર જ ફિનાઇલ પી લેતા દોડધામ મચી જવા પામી હતી.