ઓળખપત્રમાં ભૂલો સુધારી લેવાનો પરિપત્ર ફેક : સરકારની સ્પષ્ટતા
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં દરેક નાગરિકને પોતાના ઓળખપત્રમાં ભૂલો હોય તો સુધારી લેવા આદેશ કરવામાં આવ્યો હતો. દરેક નાગરિકને સૂચન કરવામાં આવ્યું હતું કે પોતાના ઓળખપત્રોમાં રહેલ ભૂલો, સ્પેલિંગ ભૂલ વગેરેની વહેલાસર સુધારો કરી લેવો પરંતુ આ ફેક પરિપત્રને લઈને ખુદ રાજ્ય સરકારે ખુલાસો કર્યો છે.
ગુજરાતના સામાન્ય વહીવટ વિભાગના નામે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા પરિપત્ર ખોટો હોવાનો ખુલાસો રાજ્ય સરકારે ખુદ કર્યો છે. જી હા...સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા સામાન્ય વહીવટ વિભાગના પરિપત્રમાં કોઈપણ ડોક્યુમેન્ટમાં અલગ અલગ નામ કે સ્પેલિંગમાં ભૂલ હશે તો કોઈ લાભ નહીં મળે એ પ્રકારનો સંયુક્ત સચિવની સહી સાથેનો પત્ર વાયરલ થયો હતો. આખરે આ પરિપત્ર ખોટો હોવાનો સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ખુલાસો કરાયો છે.
ફેક પરિપત્રમાં નાગરિકોને કહેવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા ઝડપી નિકાલ, પારદર્શિતા તેમજ કાર્યક્ષમતામાં વધારો થાય તે હેતુસર વિચારધારા અમલમાં મૂકવામાં આવી છે. અને તે અંતર્ગત વંચાણે લીધેલ ક્રમાંક 1 થી 3 દ્વારા સૂચનાઓ પરિપત્ર દ્વારા બહાર પાડ્યો હતો. જે અન્વયે ભારત દેશના દરેક નાગરિકે પોતાના આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ, રેશનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ તેમજ અન્ય તમામ ઓળખ પત્રમાં પોતાના નામ, પિતાનું નામ, માતાનું નામ, જન્મ તારીખ, તેમજ સ્પેલિંગમાં તમામ ઓળખપત્રોમાં એક સમાન નામ, એક સમાન સ્પેલિંગ, તેમજ એક સમાન જોડણી હોવી જરૂૂરી છે. જેથી દરેક નાગરિકે પોતાના પ્રાથમિક સુધારા કરાવી લેવા જણાવ્યું હતું. જો કોઈપણ ઓળખ પત્રમાં એક સમાન નામ ગુજરાતી તથા અંગ્રેજીમાં તેમજ જોડણી અને સ્પેલિંગની ભૂલો હશે તો કોઈ પણ ડોક્યુમેન્ટ માન્ય ગણાશે નહિ તેવું ફેક પરિપત્રમાં કહેવામાં આવ્યું હતું. તેમજ તે કચેરીઓમાં અમલી ગણાશે નહીં. તેવો પરિપત્ર દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો.