રાજકોટમાં કારખાનેદારના પત્નીનો આપઘાત
છેલ્લે છેલ્લે પતિને અને ઓસ્ટ્રેલિયા રહેતા તેમના માતા-બહેનને વીડિયો કોલમાં વાત કરી ગળેફાંસો ખાઇ લીધો
સાડા ચાર વર્ષનો પુત્ર રમીને ઘરમાં આવ્યો ત્યારે માતાને લટકતી જોઇ દેકારો કરી ચૂકયો, પરિવારમાં શોક
રાજકોટ શહેરમા કોઠારીયા મેઇન રોડ કેદાર ગેઇટની અંદર જીવન દિપ વિધાલયની બાજુમા રહેતા કારખાનેદારનાં પત્નીએ ગઇકાલે તેમનાં પતિ અને ઓસ્ટ્રેલીયા રહેતા માતા તેમજ બહેન સાથે વિડીયો કોલમા વાત કર્યા બાદ તેમનાં સાડા વર્ષનાં પુત્રને ઘરની બહાર રમવા મોકલી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાને પગલે પટેલ પરીવારમા શોક છવાઇ ગયો છે.
તેમજ પરીણીતાને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવ્યો હતો. આપઘાતનાં કારણ અંગે હાલ પોલીસે તપાસ યથાવત રાખી છે.
વધુ વિગતો મુજબ કેદારનાથ ગેઇટની અંદર 40 ફુટનો રોડ જીવન દિપ વિધાલયની બાજુમા રહેતા કોમલબેન કીશનભાઇ ખુંટ (પટેલ ) નામનાં 3ર વર્ષનાં પરણીતાએ ગઇકાલે પોતાનાં ઘરે કોઇ કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ તેમનાં મૃતદેહને હોસ્પીટલે પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામા આવ્યો હતો અને હોસ્પીટલ ચોકીનાં સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરતા હેડ કોન્સટેબલ પ્રશાંતસિંહ ગોહીલ અને સ્ટાફે કાગળો કરી આપઘાતનુ કારણ જાણવા તપાસ યથાવત રાખી છે.
પોલીસમાથી વિગતો મળી હતી કે મૃતક કોમલબેનનાં પતિને જોગમાયા એન્ટરપ્રાઇઝ નામનુ સીએનસી મશીનનુ કારખાનુ છે અને તેમને સંતાનમા સાડા ચાર વર્ષનો પુત્ર કિયાન છે. ગઇકાલે આપઘાત કરતા પુર્વે તેમણે કારખાને ગયેલા તેમનાં પતિ કીશનભાઇને વિડીયો કોલ કરી વાત કરી હતી અને ત્યારબાદ માતા અને પુત્રએ જમી લીધા બાદ કોમલબેને ઓસ્ટ્રેલીયા ગયેલા તેમનાં માતા અને બહેનને વિડીયો કોલ કર્યો હતો અને ખબર અંતર પુછયા હતા. ત્યારબાદ પુત્ર કિયાનને ઘરની બહાર રમવા મોકલ્યા બાદ કોમલબેને ગળેફાંસો ખાઇ લીધો હતો. ત્યારબાદ તેમનો પુત્ર બહારથી રમી ઘરમા આવ્યો ત્યારે માતાને લટકતા જોઇ દેકારો કરી મુકતા આજુબાજુનાં લોકો ત્યા દોડી ગયા હતા અને કોમલબેનનાં પતિને જાણ કર્યા બાદ તેઓએ ભકિતનગર પોલીસમા જાણ કરી હતી. કોમલબેનનુ માવતર સુલ્તાનપુર ખાતે આવેલુ હોવાનુ જાણવા મળી રહયુ છે તેમજ આપઘાતનુ ચોકકસ કારણ જાણવા હાલ ભકિતનગર પોલીસે તપાસ ચાલુ રાખી છે.