મેટોડામાં ગેરકાયદેસર પુલ બનાવનાર કારખાનાના માલિકને રૂા.20200નો દંડ
લોધિકા તાલુકાના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા મેટોડામાં સરકારી જમીન પર ફેક્ટરી માલિકો દ્વારા થતા દબાણો સામે તંત્રએ લાલ આંખ કરી છે. પડધરી મામલતદાર કે.જી. સખીયાએ મેટોડા ગામના સર્વે નં. 666 ની સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદેસર પુલ બનાવી દબાણ કરવા બદલ પબાલાજી પોલીપ્લાસ્ટથના સંચાલકને દંડ ફટકારી દબાણ દૂર કરવા હુકમ કર્યો છે.
આ કેસની વિગત મુજબ, મેટોડાના જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી કે બાલાજી પોલીપ્લાસ્ટના પ્રોપરાઈટર રાકેશભાઈ દેવરાજભાઈ હિંશુ દ્વારા સરકારી ખરાબામાં ગેરકાયદેસર પુલ બનાવવામાં આવી રહ્યો છે. આ ફરિયાદના આધારે નાયબ મામલતદાર (દબાણ) અને તલાટી દ્વારા તપાસ કરતા સામે આવ્યું હતું કે, સર્વે નં. 666 (જૂના સર્વે નં. 201 પૈકી 1) ની કુલ 35-87-25 હેક્ટર જમીનમાંથી આશરે 2024 ચોરસ મીટર જમીન પર વગર પરવાનગીએ પુલ બનાવી ઔદ્યોગિક હેતુ માટે બિનખેતી વિષયક દબાણ કરવામાં આવ્યું છે.
સુનાવણી દરમિયાન સામાવાળા રાકેશભાઈ હિંશુએ બચાવમાં દલીલ કરી હતી કે તેમની માલિકીની સર્વે નં. 693 વાળી જમીન બિનખેતી થયેલી છે અને ત્યાં જવા માટે વર્ષો જૂનો રસ્તો છે. તેમણે માત્ર કુદરતી પાણીના વહેણ માટે નાળું (ઈીહદયિિ)ં બનાવ્યું છે અને રસ્તો રિપેર કર્યો છે, કોઈ ઔદ્યોગિક બાંધકામ કર્યું નથી. જોકે, પંચરોજકામ અને સરકારી રેકર્ડના આધારે મામલતદારે આ દલીલ ગ્રાહ્ય રાખી ન હતી.
જમીન મહેસૂલ કાયદાની કલમ-61 હેઠળ કાર્યવાહી કરતા મામલતદારે હુકમ કર્યો છે કે: 1. દબાણવાળી 2024 ચો.મી. જમીનનો બિનખેતી આકાર રૂૂ. 0.10 ગણી, તેના 100 ગણા લેખે કુલ રૂૂ. 20,200/- (વીસ હજાર બસો) નો દંડ વસૂલવો. 2. હુકમ મળ્યાના 10 દિવસમાં દબાણ સ્વેચ્છાએ દૂર કરવું. 3. જો દબાણ દૂર કરવામાં નહીં આવે તો ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-223 હેઠળ પોલીસ ફરિયાદ કરવામાં આવશે.