ચલાલા નગરપાલિકામાં જૂથવાદનો ફૂંફાડો, પાંચ માસમાં જ પ્રમુખનું રાજીનામું
ગુજરાતમાં વધુ એક નગરપાલિકામાં ભાજપનો જૂથવાદ સામે આવ્યો છે. અમરેલીના ચલાલામાં ભાજપનો જૂથવાદ સામે આવ્યો છે. નગરપાલિકાના પ્રમુખે માત્ર પાંચ મહિનાના સમયગાળામાં રાજીનામુ ધરી દેતા રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે. પાલિકા પ્રમુખના પતિએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકીને રાજીનામાની જાણકારી આપી હતી.
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમરેલીના ચલાલામાં ભાજપનો જૂથવાદ સામે આવ્યો છે. ચલાલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન વાળાએ કૌટુંબિક કારણ આગળ ધરીને રાજીનામું આપ્યું છે. તેમણે જિલ્લા કલેક્ટરને લખેલા રાજીનામામાં જણાવ્યું હતું કે, હું મારા કૌટુંબિક કારણોસર પાલિકાની રોજિંદી કામગીરીમાં હાજર રહી શક્તિ નથી જેથી કામગીરીને અસર ના થાય તે માટે રાજીખુશીથી રાજીનામું આપું છું.
નયનાબેન વાળાએ માત્ર પાંચ મહિનાના સમયગાળામાં રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તેમના પતિએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને રાજીનામા અંગે જાણ કરી હતી. ત્યારબાદ આંતરિક જૂથવાદમાં રાજીનામું આપ્યું હોવાની ચર્ચાઓ શરૂૂ થઈ હતી. છેલ્લાં 5 મહિનાથી આંતરિક જૂથવાદ ચાલતો હોવાથી પ્રમુખ નયનાબેન વનરાજભાઈ વાળાને રાજીનામું આપવાની ફરજ પડી હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું.