મોડાસામાં અત્યંત કરૂણ દુર્ઘટના!! એમ્બ્યુલન્સમાં આગ લાગતાં નવજાત સહિત 4ના મોત
અમદાવાદ-મોડાસા હાઇવે ઉપર ગોઝારી દુર્ઘટના, અચાનક આગ લાગતા બાળકના પિતા, ડોકટર અને નર્સનાં પણ દર્દનાક મૃત્યુ
અરવલ્લી જીલ્લાનાં મોડાસા - શામળાજી હાઇવે પર રાણાસૈયદ ચોકડી નજીક મોડી રાતે એકાદ વાગ્યે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમા ખાનગી એમ્બ્યુલન્સ રસ્તા પર ચાલતી વખતે આગની લપેટમા આવી ગઇ હતી અને તેમા સવાર લુણાવાડાનાં યુવાન, તેના નવજાત પુત્ર, તબીબ અને એક નર્સ જીવતા સળગી જતા તેનુ ઘટના સ્થળે જ મૃત્યુ નીપજયુ હતુ. જયારે આ ઘટનામા ત્રણ લોકો ગંભીર રીતે દાઝયા હતા અને તેઓને સારવાર માટે નજીક હોસ્પિટલે ખસેડવામા આવ્યા છે આ સમગ્ર ઘટનાનાં સીસીટીવી ફુટેઝ પણ સામે આવ્યા છે.
પ્રાપ્ત પોલીસ સૂત્રોની માહિતી મુજબ (મો.ટા. પોલીસ સ્ટેશન અ.મોત. નં-15/2025), મહીસાગર જિલ્લાના લુણાવાડાના રહેવાસી જીગ્નેશભાઈ મહેશભાઈ મોચીના તાજા જન્મેલા (ઉં.વ. 1 દિવસ) બાળકને વધુ સારવાર માટે મોડાસાની રીચ હોસ્પિટલથી અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યું હતું. આ ગોઝારી ઘટના બની હતી. જેમાં એમ્બ્યુલન્સના પાછળના ભાગમાં બેઠેલા ચાર લોકોમા એક દિવસનુ નવજાત બાળક, તેમનાં પિતા, ડોકટર અને નર્સ સળગીને ભડથુ થઇ જતા તેમનાં ઘટના સ્થળે જ મૃત્યુ નીપજયુ હતુ. તેમજ એમ્બ્યુલન્સમાં આગ લાગતા ડ્રાઈવરે વાહન ઊભું રાખ્યું હતું. આગળના ભાગમાં બેઠેલા ત્રણ લોકો શરીરે વત્તા-ઓછા પ્રમાણમાં દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા છે. ઈજાગ્રસ્તોમાં અંકિતભાઈ રામાભાઈ ઠાકોર, (ઉં.વ. 24, રહે. અમદાવાદ) એમ્બ્યુલન્સ ડ્રાઈવર. ગૌસંગકુમાર મહેશભાઈ મોચી, (ઉં.વ. 40, રહે. લુણાવાડા, મહીસાગર). ગીતાબેન ઉર્ફે જયશ્રીબેન મહેશભાઈ મોચી, (ઉં.વ. 60, રહે. લુણાવાડા, મહીસાગર) નો સમાવેશ થાય છે.
આ ઘટનામા મોડાસા ટાઉન પોલીસનાં પીએસઓ એ.એસ.આઈ. મનુબેન જગમાલભાઈને જાણ થતા તેઓએ ત્યા હાજર અધિકારી: પી.એસ.આઈ. એ.એચ. રાઠોડને જાણ કરતા પીએસઆઇ રાઠોડ સહીતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતકોનાં મૃતદેહોને નજીકની હોસ્પીટલમા પોસ્ટ મોર્ટમ માટે મોકલાયા હતા . જયારે અકસ્માત દાઝી ગયેલા લોકોને સારવાર માટે ખસેડવામા આવ્યા હતા . તેમજ પોલીસે આ ઘટનામા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-194 મુજબ અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂૂ કરાઈ છે.