રાજકોટ-ધારી બસ ગુર્જર નગરી ન હોવા છતાં મુસાફરો પાસે વસૂલાય છે એકસપ્રેસ ભાડું
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, નાગજીભાઈ વિરાણી ની સંયુક્ત યાદી જણાવે છે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ માં મુસાફરી કરનાર મુસાફર પાસેથી ફરિયાદ કરવાનો અને સૂચન કરવાનો અધિકાર જાણે કે છીનવી લેવાયો હોય એ પ્રકારે કંડક્ટરોને ફરિયાદ બુક આપવામાં આવતી નથી અને ટ્રાફિક કંટ્રોલર પણ ફરિયાદ બુક આપવામાં ઠાગાઠૈયા કરે છે. કોઈ મુસાફર ફરિયાદ કરે તે ડેપો મેનેજરને ગમતું નથી. રાજકોટમાં તો ફરિયાદ કરનાર સામે રાજકોટના સિનિયર ડેપો મેનેજર ઘનશ્યામભાઈ હરિભાઈ ઠગ દ્વારા FIR કરવામાં આવી છે.
અમરેલીના પ્રતિનિધિ પ્રતાપભાઈ વાળા ગઈકાલે રાજકોટ ધારી (બસ નંબર GJ-18-Z 7758) સવારે 10:00 કલાકે રાજકોટ બસપોર્ટ પરથી ઉપડતી બસમાં ધારી જતા હોય ત્યારે જે રૂૂટ બોર્ડ મારેલ હતું તેમાં રાજકોટ ધારી ગુર્જર નગરી એક્સપ્રેસ લખેલ હતું. પરંતુ આ બસ ગુર્જર નગરી એક્સપ્રેસ હતી નહીં અમારી જાણ મુજબ અનેક ડેપો ની બસો રેકોર્ડમાં ગુર્જર નગરી એક્સપ્રેસ હોય ત્યારે ઓનલાઇન બુકિંગ કરવામાં આવે તો આ પ્રકારની બસોમાં મુસાફરો પાસેથી ગુર્જર નગરી એક્સપ્રેસ નું ભાડું વસૂલવામાં આવે છે. ખરેખર એક્સપ્રેસ બસ મૂકવામાં આવે છે. આ પ્રકારે મુસાફરોને લૂંટવામાં આવી રહ્યા છે. ઉપરાંત બસમાં કંડકટર દરવાજામાં મોટું દોરડું બાંધવામાં આવ્યું હતું. મુસાફરોને બસમાં ચડવા ઉતરવામાં જો કોઈ સિનિયર સિટીઝન કે બાળક તેડીને ચડતી ઉતરતી મહિલા ગફલતમાં રહેતો આ દોરડું ગળાફાંસો આવી જાય એ પ્રકારનું હોય છે.
ઘણી બસોમાં પ્લાસ્ટિકની દોરી અને દોરડા બાંધવામાં આવે છે તે તદ્દન ગેર વ્યાજબી છે દરવાજો બંધ ન થતો હોય તો વર્કશોપમાં યોગ્ય મરામત કરાવી બાકી દોરડા બાંધવાનું તંત્ર બંધ કરે જોખમી દોરડા મુસાફરો માટે મોતની લટકતી તલવાર સમાન છે. અગાઉ આ અંગે મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા જ્યારે ફરિયાદ કરવામાં આવેલી હતી ત્યારે ધ્રોલ ડેપો મેનેજરે પોતાના તાબા હેઠળ આવતી ધ્રોલ ડેપોની તમામ બસમાં કંડકટરને સૂચના આપી હતી કે કંડકટર દરવાજા પર દોરડા કે પ્લાસ્ટિકની દોરી બાંધવી નહીં. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા હાલ રાજ્યમાં 29 લાખ મુસાફરો નિયમિત અપડાઉન કરતા હોય અને તેમ છતાં એસ.ટી તંત્ર દ્વારા મુસાફરોની ફરિયાદ અન્વયે કોઈ પણ જાતનો હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવેલ નથી. જે પગલે ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા મુસાફરો માટે હેલ્પલાઇન નંબર 94262 29396 જાહેર કરવામાં આવેલ છે તેની પર રાઉન્ડ ધ ક્લોક આધાર પુરાવા સાથે ફરિયાદ કરી શકો છો.