અમદાવાદમાં લિથિયમ બેટરીના રિસર્ચ દરમિયાન બ્લાસ્ટ, ત્રણ યુવકો દાઝ્યા
અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા એલ.જે કેમ્પસ રોડ પરના સેવી સ્ટ્રેટા એપાર્ટમેન્ટમાં વહેલી સવારે એક ગંભીર આગની ઘટના સામે આવી છે. માહિતી મુજબ, એપાર્ટમેન્ટના બી બ્લોકના એક ફ્લેટમાં લિથિયમ બેટરી પર રિસર્ચ ચાલી રહ્યું હતું, તે દરમિયાન વહેલી સવારે લગભગ 3 વાગ્યે આ આગ લાગી હતી.
આગની ઘટનાની જાણ થતાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે આગ ફ્લેટમાં વધુ પ્રસરે તે પહેલાં તેના પર કાબૂ મેળવી લેવાયો હતો. આ દુર્ઘટનામાં રિસર્ચ સાથે જોડાયેલા ત્રણ યુવકો દાઝી ગયા હતા, જેમણે તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તો હાલ સારવાર હેઠળ છે. ફ્લેટના રહેવાસીઓએ આ અંગે પોલીસને પણ જાણ કરી હતી.
આ આગની ઘટના બાદ સોસાયટીઓમાં ચાલતા પેઇંગ ગેસ્ટ (ઙૠ)ના મામલે સ્થાનિક રહીશોમાં ઉગ્ર નારાજગી જોવા મળી છે. રહીશોનો દાવો છે કે રહેણાક વિસ્તારના આ ફ્લેટ્સમાં 90 ટકાથી વધુ ઙૠ ચાલી રહ્યા છે, જે રહેણાક હેતુ માટેના નિયમોનું ઉલ્લંઘન છે. સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી ઙૠના આ અનધિકૃત ધંધા મામલે અવાજ ઉઠાવતા સ્થાનિકોને ડરાવી-ધમકાવી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર રહેણાક સોસાયટીઓમાં ચાલતા કોમર્શિયલ પ્રવૃત્તિઓ અને તેની સુરક્ષાના મુદ્દાઓને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા છે.