રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સત્તાનો વનવાસ ભોગવતા અનેક નોધારા નેતાઓએ કારકિર્દી-પેઢી બચાવવા ‘પંજા’ને ‘રામ-રામ’ કરી લીધા

11:52 AM Mar 06, 2024 IST | admin
Advertisement

કોંગ્રેસમાં આયારામ-ગયારામની સ્થિતિ કેમ અટકતી નથી? સતત તૂટતી કોંગ્રેસના ‘હાથ’ નબળા પડી રહ્યાં છે, હવે સીધો સવાલ એ છે કે શું પદની લાલચે કોંગ્રેસીઓ ભાજપમાં જઇ રહ્યાં છે? ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પક્ષનો સાથ છોડી રહ્યા છે જે સિલસિલો હજુ અટક્યો નથી. ગઇકાલે કોંગ્રેસના બે કદાવર નેતાઓએ પક્ષને અલવિદા કરી દીધી છે. ગુજરાતમાં કોંગ્રેસનો સૂરજ અસ્ત થઈ રહ્યો છે.ગુજરાતને કોંગ્રેસમુક્ત કરવાનાં સપનાં જોતી ભાજપ ભલે કોંગ્રેસયુક્ત થઈ રહી હોય પણ ધીરે ધીરે કોંગ્રેસના ગઢનાં કાંગરા ખરી રહ્યાં છે. 2002થી અત્યારસુધીમાં 100થી વધારે કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. જેમાં કહી ખુશી કહી ગમનો માહોલ હોવા છતાં આજે પણ કોંગ્રેસીઓ ભાજપમાં લાલજાજમ પથરાય એની રાહ જોઈને બેઠા છે. એક સમયે ગુજરાતમાં કોંગ્રેસનો દબદબો હતો,

Advertisement

પણ હવે ધીમે ધીમે નેતાઓ કોંગ્રેસને દૂરથી સલામ કરી રહ્યાં છે. એક સમયે 2017માં 77 ધારાસભ્યો વાળી કોંગ્રેસ 2019માં 17માં સમેટાઈ હતી.હવે બીજા 3 ધારાસભ્યોના રાજીનામાથી કોંગ્રેસ 14 પર આવી ગઈ છે. આ પહેલાં ખંભાતના ધારાસભ્ય, વિજાપુરના સી. જે ચાવડા અને છેલ્લે અર્જુંનભાઈ મોઢવાડીયાએ કોંગ્રેસને અલવિદા કરી દીધી છે.રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાત પહોંચે પહેલાં જ ભાજપે આજે 2 મોટા ઝટકા કોંગ્રેસને આપ્યા છે.
શક્તિસિંહને કોંગ્રેસને મજબૂત બનાવવા માટે પ્રદેશ પ્રમુખ બનાવ્યા હતા પણ હાલમાં કોંગ્રેસ તૂટી રહી છે. હવે ઈન બીન અને તીન જેવા નેતાઓના ભરોસે કોંગ્રેસ લોકસભાની ચૂંટણી લડે તો નવાઈ નહીં.ગુજરાતમાં ભાજપનો દબદબો છતાં મતબેંકની ટકાવારી જોઈએ તો આજે પણ કોંગ્રેસની પરંપરાગત વોટબેંક મૂળ કોંગ્રેસીઓને મત આપે છે.

ગુજરાતમાં ભાજપ સરકાર, સત્તા અને સંગઠનના જોરે 30 વર્ષથી એકહથ્થુ શાસન ચલાવી રહી છે. એક સમયે 77 વિધાનસભાની સીટો જીતીને કોંગ્રેસે ભાજપને બરાબરની ટક્કર આપી હતી, પણ દિલ્હી હાઈકમાનની નિષ્ક્રિયતા, ફંડનો અભાવ સહિતના કારણોને પગલે ગુજરાતમાં હવે કોંગ્રેસનું ધીરેધીરે અસ્તિત્વ ભૂંસાઈ રહ્યું છે.ત્રણ દાયકાથી સતાનો વનવાસ, ભાજપની મજબુત કેડર સામે કાયમી બથોડા લેવા અંગત વેપાર- ધંધાને અસર સતાની રાહમાં વધતી જતી ઉંમર પાર્ટી ફંડની તંગી, હાઇકમાન્ડની ઉદાસીનતા, ગુજરાત કોંગ્રેસમાં જુથવાદ, શકતીશાળી નેતાઓનો અભાવ, ગમે તેટલી મહેનત કરવા છતા મતદારોમાંથી મળતો જાકારો, અંધકારમય ભવિષ્ય સહીતના કારણોથી નિરાશામાં ધકેલાઇ ગયેલા કોંગ્રેસના નેતાઓ ભાજપના શરણે જઇ રહ્યા હોવાનું માનવામાં આવે છે.

જો કે, કોંગ્રેસ તુટવા અને ભાજપ મજબુત થવાના આ સિવાયના પણ અનેક કારણો છે. હિંદુત્વની વિચારધારા સામે કોંગ્રેસની રણનીત તમામ મોરચે નિષ્ફળ ગઇ, ભાજપ અને મોદીનો વિરોધ કરવામાં કોંગ્રેસની નેતાગીરીના ‘આંધળુકીયા’થી પણ કોંગ્રેસનો એક મોટો વર્ગ નારાજ હતો અને છે. આ નારાજ વર્ગને ભાજપમાં જોડાઇને સેતાનો સ્વાદ ચાખવાની લાલચ છે.ભાજપમાં પણ ગણતરીપુર્વક કોંગ્રેસીઓ માટે લાલ જાજમ બિછાવવામાં આવી રહી છે.
કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા અને નેતાઓ ભાજપ સરકારમાં પ્રધાનો બની ગયા છે અને અન્ય મોભાદાર હોદાઓ પણ અપાયા છે. આ જોઇને બાકીના કોંગ્રેસના નેતાઓને પણ પોતે ‘પાછળ રહી ગયાની’ લાગણી થવા લાગી. અંતે મોકા સાથે માન અને ભાવ મળે ત્યારે કોંગ્રેસના નેતાઓએ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવા લાઇન લગાવી છે.અર્જુન મોઢવાડીયાના કેસરીયા કોંગ્રેસ માટે છેલ્લા ઘા સમાન છે. કેમ કે જીવનભર મોઢવાડીયા ભાજપ સામે લડયા છે અંતે થાકી- હારીને ભાજપનું શરણ લીધું છે.

કોંગ્રેસને બેઠી કરી શકે તેવા નેતાઓનો અભાવ
ગુજરાત કોંગ્રેસને બેઠી કરી શકે તેવી નેતાઓનો અભાવ પણ ભાજપમાં જોડાવાનું કારણ છે. કોંગ્રેસે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોરથી લઈને જિજ્ઞેશ મેવાણી સહિતના નેતાઓ માટે દરવાજા ખોલ્યા હતા. જૂના જોગીઓ તો વર્ષોથી ગુજરાત કોંગ્રેસને બેઠી કરવા મથી રહ્યાં છે. હાઈકમાને નવા નેતાઓને કમાન સોંપી કોંગ્રેસને બેઠી કરવાનો પ્રયાસ કર્યો છે પણ આ તમામ નેતાઓ ફેલ ગયા છે. હાલમાં કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલને જવાબદારી સોંપી કોંગ્રેસ માટે એક જુગાર ખેલ્યો છે, પણ કોંગ્રેસના આ શક્તિ પણ ફેલ ગયા છે. જેઓ સંગઠનમાં નવો જુસ્સો જગાવી શક્યા નથી અને નેતાઓને ભાજપમાં જતા રોકી શક્યા નથી.

ભાવિ પેઢીને ગોઠવવાની ચિંતા
ગુજરાત કોંગ્રેસના હાલના નેતાઓ છેલ્લા 2 દાયકાથી કોંગ્રેસને ફરી બેઠા કરવા મથી રહ્યાં છે. આમ છતાં કોંગ્રેસ ફરી સત્તામાં આવી શકી નથી. નેતાઓની ઉંમર વધતી જાય છે. તેઓ સારી રીતે સમજી ચૂકયા છે કે આગામી 10 વર્ષ સુધી ફરી સત્તા આવે તેવી સંભાવના નથી. તેઓ રાજકારણમાં જોડાયા છે, પણ ક્યારેય પદ નહીં મેળવી શકે. આખી જિંદગી ઘસાશે તો પણ સત્તા નહીં મળે તેવુ નેતાઓ સમજી ગયા છે. આ સ્થિતિમાં તેમની આગામી પેઢીને પણ રાજકારણનો લાભ નહીં મળે. કોંગ્રેસના નેતાઓને હવે ખુદ ભવિષ્ય ધૂધળું લાગવા લાગ્યું છે. તેઓ સમજી ચૂક્યા છે કે તેઓ કોંગ્રેસમાં પોતાનો સમય બગાડી રહ્યાં છે,
એટલે લાલજાજમ ક્યારે પથરાય એની રાહ જોઈને બેઠા છે. તેઓ પણ સારી રીતે જાણે છે કે કોંગ્રેસમાં મળે છે એવું માનપાન ભાજપમાં નહીં મળે, ભાજપ ઉપયોગ કરીને ફેંકી દેશે આમ છતાં નેતાઓ લાઈનો લગાવી રહ્યાં છે.

મોટા નેતાઓનું ભાજપ સાથે ગુપ્ત ગઠબંધન
ગુજરાતમાં જેમની પાસે પદ છે એ એવા નેતાઓ છે પોતાની સીટ બચાવી શકે તેની કોઈ ગેરંટી નથી. ભૂંડી હાર મળવા છતાં આ નેતાઓ પદ પર ચીપકીને બેઠા છે. જેઓ પોતાની સીટ બચાવવા સંગઠન બનાવી શક્તા નથી તે નેતાઓ ગુજરાત કોંગ્રેસને બેઠી કરવાનું આયોજન ઘડી રહ્યાં છે. ઘણા એવા નેતાઓ છે જે પોતાની સીટ પર હારી ચૂક્યા છે છતાં ફરી પદ પર બેસીને નવા નેતાઓને આદેશ કરવા લાગે છે. આ નેતાઓ કોંગ્રેસને જીતાડવાની રણનીતિ ઘડે છે પણ પોતાની સીટ બચાવી શકતા નથી. આમ પોતાના મત વિસ્તારમાં જ દબદબો ન ધરાવનાર નેતાઓ ગુજરાત કોંગ્રેસને ભાજપ સામે જીતાડવાના દાવાઓ કરે છે. જેના પગલે ગુજરાત કોંગ્રેસનું ધીરેધીરે અસ્તિત્વ ભૂસાઈ રહ્યું છે.

હોદ્દાઓમાં ચોક્કસ નેતાઓની સંતાકૂકડી
ગુજરાતમાં કોંગ્રેસના પદ પર ચાર-પાંચ નેતાઓની સંતાકૂકડી રમાતી હોય તેમ નેતાઓ એક બાદ એક રીપિટ થઈ રહ્યાં છે. સત્તામાં પણ ભાગીદાર હોય એમ વારા પછી વારો તારા પછી મારાની જેમ નેતાઓ રીપિટ થઈ રહ્યાં છે. કોંગ્રેસમાં નવી કેડરની ભરતી જ થતી નથી કે નથી મળતો ચાન્સ, જેને પગલે ઘણા કાર્યકરો ધીરેધીરે કોંગ્રેસથી નારાજ થઈને નિષ્ક્રીય થઈ ગયા છે.

ગુજરાતમાં કોંગ્રેસ માટે જાત ઘસી નાંખનાર નેતાઓને કોંગ્રેસમાં રહીને સરકાર અને સંગઠન સામે વિરોધ કરવો હવે ભારે પડી રહ્યો છે. જેની અસર તેમના ધંધા પર પડી રહી છે. સત્તા ભાજપ પાસે હોવાથી આ નેતાઓને નવી મંજૂરીઓ, નવા કોન્ટ્રાક્ટ પર અસર પડી રહી છે. સત્તા તો મળી રહી નથી, પણ ધંધા પર પણ અસર પડતાં કેટલાક નેતાઓ જાણી જોઈને ભાજપમાં જોડાઈ ગયા છે. તેઓ સારી રીતે જાણે છે કે સત્તા સાથે વેર બાંધીને ધંધો થઈ શકવાનો નથી. કોંગ્રેસમાં સંગઠનનો અભાવ પણ નેતાઓની નારાજગીનું કારણ બની રહ્યું છે.

સતામાંથી ત્રણ દાયકાનો વનવાસ
ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લા 30 વર્ષથી સત્તાથી દૂર છે. મોદી સીએમ બન્યા બાદ આ ખાઈ વધતી ગઈ છે અને આજે ભાજપ ગુજરાતમાં નવો રેકોર્ડ બનાવીને વિધાનસભામાં જીતી છે. કોંગ્રેસ પાસે વિરોધપક્ષનો નેતા ચૂંટવા જેટલા પણ સભ્યો નહોતા રહ્યાં. ગુજરાતમાં ધીરેધીરે કોંગ્રેસ પોતાની પરંપરાગત મતબેંક ગુમાવી રહી છે. ભાજપે સરકાર સાથે સંગઠનમાં પણ કામગીરી કરતાં આજે ગુજરાત ભરમાં ભાજપનો દબદબો છે. કોંગ્રેસ છેલ્લા 30 વર્ષથી સત્તા માટે પ્રયાસો કરી રહી છે પણ દૂર રહી છે.

અંધકારમય ભવિષ્ય
હાલમાં ગુજરાતમાં ધીરેધીરે કોંગ્રેસનું અસ્તિત્વ ભૂસાઈ રહ્યું છે અને આગામી એક દાયકા સુધી સત્તા પરિવર્તનના કોઈ ચાન્સ નથી. ભાજપ હાલમાં સરકાર અને સંગઠન બંનેમાં મજબૂત બની ગઈ છે. ગુજરાતના મતદારો પણ સારી રીતે જાણે છે કે કોંગ્રેસને મત આપવાનો કોઈ મતલબ નથી. હાલમાં સ્થિતિ એવી છે કે આગામી 10 વર્ષ સુધી એ ગુજરાતમાં સત્તા હાંસલ કરી શકે તેવી સ્થિતિમાં નથી કારણ કે સંગઠનના ઠેકાણા નથી અને નેતાઓ ભાજપ તરફ નજર કરીને બેઠા છે.

હાઇકમાન્ડની ઉદાસીનતા, ફંડની તંગી

દિલ્હી હાઈકમાન સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની ગુજરાત કોંગ્રેસ પર ઉદાસીનતા પણ એક કારણ છે. કોંગ્રેસના નેતાઓની દિલ્હીમાં અવગણના થઈ રહી છે. ગણતરીના નેતાઓ રાહુલ ગાંધીની જી હજૂરી કરીને સત્તાનો લાભ લઈ રહ્યાં છે. 2019ની વિધાનસભાની ચૂંટણીની રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ રીતસર અવગણના કરી હતી. દિલ્હીથી કોઈ મોટા નેતાઓ ગુજરાતમાં સભા માટે આવ્યા નહોતા. હવે કોંગ્રેસ રીતસર ફંડ માટે ઝઝૂમી રહી છે ત્યાં ચૂંટણી લડવા માટે ફંડ પણ સ્થાનિક નેતાઓએ ખિસ્સામાંથી કાઢવું પડે તેવી સ્થિતિ છે. ટિકિટ મળનાર પણ સારી રીતે જાણે છે કે ઘરનું ગોપીચંદન ઘસવાનું છે અને જીત માટે કોંગ્રેસ તરફથી કોઈ સપોર્ટ મળવાનો નથી. એટલે નેતાઓ હવે દૂર ખસી રહ્યાં છે.

સત્તા સામે લડાઇમાં અંગત ધંધાને અસર

ગુજરાતમાં કોંગ્રેસ માટે જાત ઘસી નાંખનાર નેતાઓને કોંગ્રેસમાં રહીને સરકાર અને સંગઠન સામે વિરોધ કરવો હવે ભારે પડી રહ્યો છે. જેની અસર તેમના ધંધા પર પડી રહી છે. સત્તા ભાજપ પાસે હોવાથી આ નેતાઓને નવી મંજૂરીઓ, નવા કોન્ટ્રાક્ટ પર અસર પડી રહી છે. સત્તા તો મળી રહી નથી, પણ ધંધા પર પણ અસર પડતાં કેટલાક નેતાઓ જાણી જોઈને ભાજપમાં જોડાઈ ગયા છે. તેઓ સારી રીતે જાણે છે કે સત્તા સાથે વેર બાંધીને ધંધો થઈ શકવાનો નથી. કોંગ્રેસમાં સંગઠનનો અભાવ પણ નેતાઓની નારાજગીનું કારણ બની રહ્યું છે.

Tags :
BJPCongressgujaratgujarat newspolitical newsPolitics
Advertisement
Next Article
Advertisement