ભેસાણ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનને ધારાસભ્યના પ્રતિનિધિ દ્વારા અપાઈ ધાકધમકી
ભેસાણ તાલુકા પંચાયતની કચેરી 25 સપ્ટેમ્બરે રાજકીય તણાવનું કેન્દ્ર બની હતી, જ્યાં તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન મુકેશ ઉર્ફે દિપક સતાસીયા અને ધારાસભ્યના પ્રતિનિધિ તરીકે ઓળખાવતા એક વ્યક્તિ વચ્ચે બોલાચાલી અને ધમકી આપવાની ઘટના બની હતી. આ મામલે કારોબારી ચેરમેને પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટનાએ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.
ફરિયાદ મુજબ, ગઈકાલે બપોરે કારોબારી પ્રમુખની ચેમ્બરમાં મુકેશ સતાસીયા તેમના સાથી સભ્યો દિલુ દેવાયતભાઈ વાંક અને ભાવેશ મંગાભાઈ જાદવ સાથે પસેવા ખવાડિયા અંતર્ગત સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમ અંગે ચર્ચા કરી રહ્યા હતા. તે સમયે, ભેસાણના દર્શન સાવલિયા ત્યાં આવી પહોંચ્યા. તેમણે પોતે ધારાસભ્યના પ્રતિનિધિ હોવાનું જણાવી મુકેશ સતાસિયાની પૂછપરછ કરી અને તેમના ફોટા પાડવા લાગ્યા.
જ્યારે મુકેશ સતાલિયાએ પોતે કારોબારી ચેરમેન હોવાનું જણાવ્યું, ત્યારે દર્શન સાવલિયાએ તારી નેમ પ્લેટ ક્યાં છે? તેમ કહીને તેમની સાથે ઉગ્ર બોલાચાલી શરૂૂ કરી. જેમ ફાવે તેમ અપશબ્દોનો ઉપયોગ કરતા, દર્શન સાવલિયાએ ઉશ્કેરાઈને મુકેશ સતાલિયાને ધમકી આપી કે, તું તાલુકા પંચાયતની બહાર આવ, તને પતાવી દઈશ. આ ધમકી આપ્યા બાદ તેઓ ત્યાંથી જતા રહ્યા હતા.
આ ઘટના બાદ કારોબારી ચેરમેન મુકેશ સતાસીયા તાત્કાલિક દિલુ વાંક અને ભાવેશ જાદવ સાથે ભેસાણ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને દર્શન સાવલિયા વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી. તેમણે ફરિયાદમાં જણાવ્યું કે, દર્શન સાવલિયાએ ધારાસભ્યના પ્રતિનિધિ હોવાનો ખોટો રોફ જમાવીને તેમની સાથે બોલાચાલી કરી, અપશબ્દો કહ્યા અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. પોલીસે આ મામલે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને આગામી સમયમાં આ વિવાદ વધુ વકરે તેવી શક્યતા છે.