પ્રાથમિક અને માધ્યમિક શાળામાં શિષ્યવૃત્તિ માટે પરીક્ષાના ફોર્મ 31મી સુધી ભરી શકાશે
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 29 નવેમ્બરના રોજ લેવાનારી પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. પરીક્ષા માટેના ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી 1 ઓક્ટોબરથી શરૂૂ કરાઈ હતી અને 15 ઓક્ટોબર સુધી ફોર્મ ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે, હવે આ પરીક્ષા માટે 31 ઓક્ટોબર સુધી ફોર્મ ભરી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે.
પ્રાથમિક - માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાને લઈને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં પરીક્ષા માટે 15 ઓક્ટોબર સુધી ઓનલાઈન આવેદનપત્રો ભરી શકાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે પરીક્ષા માટે 16 એપ્રિલ સુધી ઓનલાઈન ફી ભરવાની મુદત અપાઈ હતી. જોકે, ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થયા બાદ પણ ઘણા વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બાકી રહ્યા હોવાનું જણાતા ફોર્મ ભરવાની મુદત લંબાવવામાં આવી છે.
હવે 31 ઓક્ટોબર સુધી ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત લંબાવી છે. જ્યારે 1 નવેમ્બર સુધી ફી ભરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આમ, ફોર્મ ભરવાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 29 નવેમ્બરે શિષ્યવૃત્તિ માટે પરીક્ષા લેવામાં આવશે. પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે ધોરણ-5માં 50 ટકા ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલા હોય અને હાલમાં ધોરણ-6માં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે. જ્યારે માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા માટે ધોરણ-8માં 50 ટકા ગુણ મેળવેલા હોય અને ધોરણ-9માં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે.